
ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના સિહોર બ્લોકના શિવાની સખી મંડળે, ગ્રામિણ મહિલાઓની પ્રતિભા અને આત્મનિર્ભરતાનો અનોખો પરિચય આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
કેરળના કોચીન ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ સરસ મેળામાં શિવાની સખી મંડળ દ્વારા ઉભા કરાયેલા સ્ટોલને દેશ-વિદેશના મુલાકાતીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. આ સિદ્ધિ સમગ્ર સિહોર પંથક તેમજ ભાવનગર જિલ્લા માટે ગૌરવની બાબત બની છે.
મેળા દરમિયાન ચીનના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે, શિવાની સખી મંડળના સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વિવિધ કૃતિઓ અને સ્થાનિક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. પ્રતિનિધિઓએ મહિલાઓના કૌશલ્ય, સર્જનાત્મકતા અને મહેનતની પ્રશંસા કરી હતી તેમજ ઉત્પાદનોની બનાવટ, ગુણવત્તા અને તેની પાછળના સ્વરોજગારના મોડલ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
આ ઉપરાંત બ્રિક્સ વિમેન્સ બિઝનેસ એલાયન્સના બ્રાઝિલિયન ચેપ્ટરના અધ્યક્ષ મોનિકા મોન્ટેઇરોએ પણ, સ્ટોલની મુલાકાત લઈને ગ્રામિણ મહિલાઓના આર્થિક સશક્તિકરણના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રયાસો મહિલાઓને માત્ર સ્વરોજગાર જ નહીં, પરંતુ વૈશ્વિક બજાર સુધી પહોંચવાની નવી તકો પણ ઉપલબ્ધ કરાવે છે.
શિવાની સખી મંડળની આ ઉપલબ્ધિ એ સાબિત કરે છે કે, ગ્રામિણ મહિલાઓને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને બજાર મળે તો તેઓ પોતાની પ્રતિભાના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આગવી ઓળખ બનાવી શકે છે. લોકલ ટુ ગ્લોબલના વિચારને, સાકાર કરતા શિવાની સખી મંડળે ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા અન્ય સખી મંડળો અને ગ્રામિણ મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક નવી દિશા દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA