

પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે નવા પશુ દવાખાનાના મકાનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
નવા મકાનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પશુ દવાખાનું ખાનગી મકાનમાં કાર્યરત રહેશે. આ દવાખાનાથી પેદાશપુરા ઉપરાંત અગીચાણા, જોરાવરગંજ, કરસનગઢ, બીસમીલાગંજ, ગડસાઈ સહિત આસપાસના ગામોના પશુપાલકોને સ્થાનિક સ્તરે પશુ સારવારની સુવિધા ઉપલબ્ધ બનશે, જેથી સમયસર સારવાર મળી શકશે.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય સુરેશભાઈ ઠાકોર, માર્કેટ યાર્ડના ચેરમેન બાબુભાઈ ચૌધરી, પી.આઈ. આર.બી. વાઝીયા, પશુપાલન અધિકારી પરમાર સાહેબ, લગધીરભાઈ ચૌધરી, સરપંચ ધારસીભાઈ, પૂર્વ સરપંચ લાધુજી ઠાકોર, મશરૂજી ઠાકોર, કનુભાઈ ડેલિકેટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પશુપાલકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારના પ્રયાસોને આવકાર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ