
પાટણ, 15 જુલાઈ (હિ.સ.)જાયન્ટ્સ પાટણ દ્વારા બુધવારે કોટાવડ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા 102 વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમનો હેતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો હતો.
કાર્યક્રમમાં પ્રહલાદભાઈ એ. પટેલ, મનુભાઈ વી. પ્રજાપતિ, વિજયભાઈ જે. પટેલ, પ્રહલાદભાઈ એન. પટેલ અને નટુભાઈ વી. દરજી સહિતના દાતાઓ તથા જાયન્ટ્સના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કમલેશભાઈ, શિક્ષકગણ અને અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા જ્યોતિબેન પટેલે કર્યું હતું. તેમણે પોતાની દીકરીના જન્મદિવસ નિમિત્તે 102 વિદ્યાર્થીઓને નોટબુક અને ચોકલેટનું પણ વિતરણ કર્યું હતું. જાયન્ટ્સ પાટણ દ્વારા આ વર્ષે શહેર અને ગ્રામ્ય વિસ્તારોની વિવિધ શાળાઓમાં 100 ડઝનથી વધુ ચોપડા, 200 સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ