
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવા સાર્વજનિક વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે આ આધુનિક વાંચનાલય ખુલ્લું મુકાયું હતું, જે ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે.
લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું હતું કે ગામડાંના યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સમયની માંગ છે. આવા વાંચનાલયો યુવાનોને ઉચ્ચ અભ્યાસ અને સરકારી નોકરીઓ તરફ પ્રેરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કાર્યક્રમમાં યુવા આગેવાન રામભાઈ આહિર, પૂર્વ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, ભાવેશભાઈ આહિર, અશોકપુરી ગૌસ્વામી સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને આવકારી વિદ્યાર્થીઓને વાંચનાલયનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ