
નવસારી, 15 જુલાઈ (હિ.સ.): સરકારી આયુર્વેદ હોસ્પિટલ, કાલીયાવાડી, નવસારી ખાતે જાહેર જનતાને વધુ ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ફિઝિયોથેરાપી વિભાગ માટે વિવિધ આધુનિક સાધન-સામગ્રીની ખરીદી કરવામાં આવી છે. આ સાધનોની ખરીદી નવસારી-175 મતવિસ્તાર માટે ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MLA જોગવાઈ) વર્ષ 2025-2026 હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી કરવામાં આવી છે.
આ નવીન ફિઝિયોથેરાપી સાધનોનું લોકાર્પણ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, કાલીયાવાડી ખાતે ફિઝિયોથેરાપી વિભાગ છેલ્લા એક વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.
આ વિભાગમાં દર્દીઓને આધુનિક ફિઝિયોથેરાપી સારવાર ઉપરાંત પંચકર્મ સારવારનો પણ લાભ મળી રહ્યો છે. દરરોજ 100થી વધુ દર્દીઓ આ સેવાઓનો નિયમિત લાભ લઈ રહ્યા છે, જે આ વિભાગ પ્રત્યે લોકોના વધતા વિશ્વાસ અને ઉપયોગિતાને દર્શાવે છે.
નવા સાધનો ઉપલબ્ધ થતાં દર્દીઓને વધુ અસરકારક, ઝડપી અને ગુણવત્તાસભર ફિઝિયોથેરાપી સારવાર મળી શકશે. આ સુવિધાથી ખાસ કરીને સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગરદનના દુખાવા, લકવા બાદની પુનઃપ્રાપ્તિ તેમજ અન્ય હાડકા અને સ્નાયુ સંબંધિત તકલીફો ધરાવતા દર્દીઓને વિશેષ લાભ મળશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આયુર્વેદ અને ફિઝિયોથેરાપી જેવી સંકલિત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા વધુમાં વધુ નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે