
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)કમલાબાગ પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલી ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ બનાવવાની ફેક્ટરી કેસમાં પોરબંદર એલસીબીને વધુ એક મહત્વની સફળતા મળી છે. ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ બનાવવા માટે સામાન સપ્લાય કરનાર તેમજ પોરબંદર આવી દારૂ બનાવવાની કામગીરી કરનાર રાજસ્થાનના આરોપીને મોરબી જિલ્લાના હળવદમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.પકડાયેલા આરોપીની ઓળખ વિકાસ ઉર્ફે વિક્રમદાસ ઉર્ફે ભાઈસાબ ગોપાલરામ ગોદારા (ઉં.વ. 40), રહે. કાનસર ગામ, હનુમાનગઢ (રાજસ્થાન) તરીકે થઈ છે. એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે મોરબીના હળવદ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પોરબંદર લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.તપાસ દરમિયાન આરોપી પાસેથી બે મોબાઇલ ફોન ઉપરાંત તેના ફોટાવાળા ત્રણ ડુપ્લિકેટ આધારકાર્ડ અને એક ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવતા આ અંગે પણ અલગથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પણ વોન્ટેડ છે. ઉપરાંત ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પણ તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya