
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)પોરબંદર તાલુકાના ગરેજ ગામમાંથી ઉચ્ચ અભ્યાસ માટે પોરબંદર આવતાં વિદ્યાર્થીઓને સમયસર એસ.ટી. બસની સુવિધા ન મળતાં તેમના અભ્યાસ પર સીધી અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે પોરબંદર એસ.ટી. ડેપો મેનેજરને ટેલિફોનિક તેમજ લેખિત રજૂઆત કરી વિદ્યાર્થીઓને અનુકૂળ બસ વ્યવસ્થા કરવાની માંગ કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે ગરેજ ગામના 15થી વધુ વિદ્યાર્થીઓ રોજ પોરબંદર કોલેજમાં અભ્યાસ માટે આવે છે. હાલ તેમને સવારે બાંટવા-પોરબંદર બસનો જ વિકલ્પ ઉપલબ્ધ છે, જે સવારે 9:30 વાગ્યાની આસપાસ પોરબંદર પહોંચે છે. કોલેજ સુધી પહોંચતાં વધુ સમય લાગતાં વિદ્યાર્થીઓને દરરોજ બે લેક્ચર ગુમાવવાની ફરજ પડે છે, જેના કારણે તેમના અભ્યાસને નુકસાન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સવારે 6:20 વાગ્યેચિકાસાથી ઉપડતી બસ તેમને અનુકૂળ હોવા છતાં ગરેજથી ચિકાસા પહોંચવા માટે કોઈ વાહન વ્યવહાર ઉપલબ્ધ નથી. પરિણામે તેઓ સમયસર બસ પકડી શકતા નથી. ઘણા વિદ્યાર્થીઓએ લાંબા ગાળાના એસ.ટી. પાસ પણ કઢાવ્યા હોવાથી તેઓ ખાનગી વાહન વ્યવહારનો ઉપયોગ કરી શકતા નથી. વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે રજૂઆતમાં માંગ કરી છે કેચિકાસા-પોરબંદર બસને ગરેજ ગામ સુધી લંબાવવામાં આવે અથવા આ રૂટ પર અન્ય બસના સમયમાં ફેરફાર કરવામાં આવે. જો તે શક્ય ન હોય તો વિદ્યાર્થીઓના હિતમાં અલગ બસ ફાળવવામાં આવે, જેથી તેઓ સમયસર કોલેજ પહોંચી સંપૂર્ણશિક્ષણ મેળવી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya