
ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.) વેરાવળના વોર્ડ નંબર 1 હુડકો સોસાયટીના સામાજિક કાર્યકર અરુણભાઈ જેબર દ્વારા હરસિદ્ધિ 2 કેન્દ્ર નંબર 1 આંગણવાડીમાં બાળકોને જ્ઞાનવર્ધક રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોના માનસિક, બૌદ્ધિક અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
વિતરણ કરાયેલા રમકડાંમાં પઝલ ગેમ્સ, અક્ષરજ્ઞાન આપતા બ્લોક્સ, ચિત્રકામની કીટ્સ અને ગાણિતિક કોયડા ઉકેલવાના સાધનો જેવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલા સાધનોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ હુડકો સોસાયટી સ્થિત મહાકાલેશ્વર મંદિર સામે આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રના પ્રમુખ સી.ડી.પી.ઓ. સવિતાબેન ગોહેલ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહ્યા હતા. વેરાવળના સીટી પી.આઈ. અનિવાર્ય સરકારી સંજોગોને કારણે રૂબરૂ હાજર રહી શક્યા નહોતા, પરંતુ તેમણે ફોન દ્વારા અરુણભાઈ જેબર અને તેમની ટીમને આ ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મહાકાલેશ્વર મંદિરના પૂજારી ભરતબાપુએ મંત્રોચ્ચાર અને આશીર્વાદ આપી, કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, મુકેશભાઈ ચોલેરા, અનિસભાઈ રાચ્છ, વિનોદભાઈ ભંભાણી, રાધેશભાઈ પુરોહિત, 'નિરાધાર ના આધાર' આશ્રમના સંચાલક જનકભાઈ પારેખ, વિશાલભાઈ ઘીયા, નિલેશ ગોસ્વામી, ચેતન અપારનાથી અને નાનજીભાઈ ચાવડા સહિત સ્થાનિક શુભેચ્છકો, આંગણવાડીના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના વર્કર દક્ષાબેન પુરોહિત અને હેલ્પર સુમિતાબેન પંડિત દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
જ્ઞાનવર્ધક રમકડાં હાથમાં આવતા બાળકોના ચહેરા અને આંખોમાં એક અનોખી ચમક જોવા મળી હતી, જે આ સેવાકીય કાર્યની સાર્થકતા દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ