

- ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 15 ઈજાગ્રસ્ત
- 5 કિમી દૂર ધડાકો સંભળાયો
અમદાવાદ,18 જુલાઇ (હિ.સ.) અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ ઉપર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ અને એમ્બ્યુલન્સ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અમદાવાદ ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ પૂર્વના રામોલ થી ગતરાડ જતા મહેમુદપુરા ટેલેન્ટ પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચ જેટલી ગાડીઓ અને ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે.
એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની ગાડીઓએ સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ફટાકડાની ફેક્ટરીમાં 8થી 10 લોકો કામ કરતા હોવાની માહિતી છે.
ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવા અંગેનો અવાજ આવતાની સાથે જ વસ્ત્રાલ આર એએફ કેમ્પમાં ફરજ બજાવતા જવાનો પણ તાત્કાલિક દોડી ગયા હતા. કેમ્પની પાછળના ભાગે જ આ ફેક્ટરી આવેલી છે જેમાં ધડાકાનો અવાજ આવતા તેઓ દોડીને આવ્યા હતા અને ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં જે લોકો ઘાયલ થયા હતા અને ફસાયા હતા તેને બહાર કાઢી લીધા હતા.
સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ રામોલ-ગતરાડ રોડ ઉપર .કેમ્પની પાછળ ખુલ્લા ખેતરમાં શેડ જેવું બનાવી મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. આ વ્યક્તિનું ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી જ રદ કરી દેવામાં આવેલું હતું, તેમ છતાં તેણે ફટાકડાની ફેક્ટરી ચાલુ રાખી હતી. 8 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સૌપ્રથમ આરએએફની ટીમ અને સ્થાનિક પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. રામોલ પોલીસ દ્વારા સમગ્ર મામલે એક્સપ્લોઝિવ એક્ટ અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મેયર હિતેશ બારોટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ સ્થળ ઉપર પહોંચ્યા છે. ઝોન 8 ડીસીપી મયુર પાટીલ અને સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ