ગેરકાયદે ફટાકડા ફેક્ટરી જમિનદોસ્ત: 9ના મોત બાદ કડક કાર્યવાહી, SIT તપાસ શરૂ
અમદાવાદ, 19 જુલાઈ (હિ.સ.) : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 9 લોકોના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અકસ્માતના 24 કલાકની અંદર જ ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી તેને તોડ
अहमदाबाद वस्त्राल के पताका फैक्टरी ब्लास्ट की फ़ोटो


અમદાવાદ, 19 જુલાઈ (હિ.સ.) : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 9 લોકોના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અકસ્માતના 24 કલાકની અંદર જ ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી તેને તોડી પાડવામાં આવી હતી. ઉપરાંત આસપાસ લાયસન્સ વિના ચાલતી અન્ય બે ફટાકડા ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. જોકે, આ SITમાં માત્ર પોલીસ અધિકારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), એસ્ટેટ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર તેમજ વીજ વિભાગના કોઈ અધિકારીને તપાસ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે.

વસ્ત્રાલ ગામની સીમમાં ટીનના શેડ બનાવી ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. બ્લાસ્ટ બાદ પ્રશાસને JCBની મદદથી સમગ્ર ફેક્ટરી તોડી પાડી હતી અને તમામ અસ્થાયી શેડ દૂર કરાયા હતા.

SITમાં સામેલ અધિકારીઓ

મયુર પાટીલ – નાયબ પોલીસ કમિશનર (DCP), ઝોન-8

વાય. એ. ગોહિલ – મદદનીશ પોલીસ કમિશનર (ACP), એસ ડિવિઝન

વી. ડી. મોરી – પોલીસ ઇન્સ્પેક્ટર (PI), રામોલ પોલીસ સ્ટેશન

ઉલ્લેખનીય છે કે છેલ્લા 20થી 25 દિવસથી જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે ફેક્ટરી ચાલી રહી હતી, તે જ વિસ્તારના PI, ACP અને DCPને તપાસની જવાબદારી સોંપાતા પણ પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોના મતે આ કેસમાં ફાયર વિભાગ, AMC, જિલ્લા વહીવટીતંત્ર અને વીજ વિભાગની ભૂમિકાની પણ તપાસ જરૂરી છે. જોકે હાલ આ વિભાગોના અધિકારીઓને માત્ર સંકલન માટે સૂચના આપવામાં આવી છે, તેમને SITમાં સામેલ કરવામાં આવ્યા નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande