અન્નાદ્રમુકના ધારાસભ્ય સી.વી. શણમુગમના નેતૃત્વ હેઠળ 1,300 થી વધુ પદાધિકારીઓનું સામૂહિક રાજીનામું
ચેન્નઈ, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). તમિલનાડુની મુખ્ય વિરોધ પક્ષ અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (અન્નાદ્રમુક) માં આંતરિક મતભેદો ફરી એકવાર ખુલ્લેઆમ સામે આવ્યા છે. પાર્ટીના પૂર્વ મંત્રી અને મયિલમ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સી.વી. શણમુગમના ન
અન્નાદ્રમુકના ધારાસભ્ય સી.વી. શણમુગમ


ચેન્નઈ, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). તમિલનાડુની મુખ્ય વિરોધ પક્ષ અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (અન્નાદ્રમુક) માં આંતરિક મતભેદો ફરી એકવાર ખુલ્લેઆમ સામે આવ્યા છે. પાર્ટીના પૂર્વ મંત્રી અને મયિલમ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સી.વી. શણમુગમના નેતૃત્વ હેઠળ 1,300 થી વધુ પદાધિકારીઓ અને કાર્યકરોએ સોમવારે તેમના સંગઠનાત્મક પદો પરથી સામૂહિક રાજીનામું આપી દીધું. સૌએ ચેન્નઈ સ્થિત અન્નાદ્રમુકના મુખ્યાલય પહોંચીને પોતાના રાજીનામા કાર્યાલય પ્રબંધક મહાલિંગમને સુપરત કર્યા.

સી.વી. શણમુગમ પોતાના સમર્થકો સાથે પાર્ટીના મહાસચિવ એડપ્પડી કે. પલાનીસ્વામીને મળવા માટે મુખ્યાલય પહોંચ્યા હતા. જોકે, પલાનીસ્વામી ત્યાં હાજર ન હોવાને કારણે, તેમણે પોતાના રાજીનામા કાર્યાલય પ્રબંધક મારફતે જમા કરાવ્યા.

એવું કહેવાય છે કે, તાજેતરમાં થયેલા સંગઠનાત્મક ફેરબદલમાં સી.વી. શણમુગમને જિલ્લા સચિવનું પદ ન અપાતા તેમનું જૂથ નારાજ હતું. પાર્ટીની અંદર એડપ્પડી કે. પલાનીસ્વામી અને સી.વી. શણમુગમ વચ્ચે લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા છે. આ દરમિયાન એસ.પી. વેલુમણિના નેતૃત્વ હેઠળના જૂથનો પણ નેતૃત્વ સાથે સંઘર્ષ રહ્યો હતો.

આ જ ક્રમમાં, એડપ્પડી કે. પલાનીસ્વામીએ તમિલગા વેત્રિ કડગમ (ટીવીકે) ના સમર્થનમાં કામ કરવાના આરોપસર સી.વી. શણમુગમના સમર્થક ઘણા નેતાઓ અને કાર્યકરોને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો. બાદમાં, એસ.પી. વેલુમણિના નેતૃત્વ હેઠળનો જૂથ નેતૃત્વ સાથે સમાધાન કર્યા પછી ફરી સક્રિય થઈ ગયો અને તેને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ સોંપવામાં આવી.

પાર્ટી નેતૃત્વએ એસ.પી. વેલુમણિ અને નથમ વિશ્વનાથનને અન્નાદ્રમુકના ઉપ મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા, જ્યારે સી.વી. શણમુગમ અને તેમના સમર્થકોને કોઈ મુખ્ય સંગઠનાત્મક જવાબદારી મળી નહીં. આનાથી શણમુગમ જૂથની નારાજગી વધુ વધી ગઈ, જેના પછી તેમણે સામૂહિક રીતે પોતાના પદો પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો.

રાજીનામું આપતા પહેલા, સી.વી. શણમુગમ અને તેમના સમર્થકોએ ચેન્નઈ સ્થિત પૂર્વ મુખ્યમંત્રી અને અન્નાદ્રમુકના પૂર્વ મહાસચિવ જે. જયલલિતાના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પછી, સૌ મુખ્યાલય પહોંચ્યા અને પોતાના રાજીનામા સુપરત કર્યા.

શણમુગમના સમર્થકોનો દાવો છે કે, તિંદિવનમ, મયિલમ, વિક્રવંડી અને સેંજી સહિતના વિવિધ વિસ્તારોના 18 થી વધુ યુનિયન સચિવો ઉપરાંત, રાજ્ય, જિલ્લા, નગર અને અન્ય સંગઠનાત્મક એકમોના મોટી સંખ્યામાં પદાધિકારીઓએ પણ પોતાના પદો પરથી રાજીનામું આપ્યું છે.

આ દરમિયાન, પાર્ટી મુખ્યાલયની બહાર શણમુગમના સમર્થકોએ એડપ્પડી કે. પલાનીસ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. અન્નાદ્રમુકને બરબાદ ન કરો અને આ જીદ શા માટે? જેવા નારાઓથી મરીના વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટનાક્રમ આગામી ચૂંટણીઓ પહેલા અન્નાદ્રમુકની આંતરિક પડકારોને વધુ ઊંડી બનાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વરા પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande