
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ત્રણ દેશોની રાજકીય યાત્રાના પ્રથમ તબક્કામાં સોમવારે મોલ્દોવાની રાજધાની ચિશિનાઉ પહોંચી ગયા. ચિશિનાઉ પહોંચવા પર, અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર મોલ્દોવાના ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મિહાઈ પોપશોઈએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની મોલ્દોવાની પ્રથમ યાત્રા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાષ્ટ્રપતિ મુર્મુના મોલ્દોવા પહોંચવાની જાણકારી આપી.
રાષ્ટ્રપતિના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ મુર્મુના મોલ્દોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની પોતાની રાજકીય યાત્રાના પ્રથમ તબક્કામાં મોલ્દોવાની રાજધાની ચિશિનાઉ પહોંચવા પર મોલ્દોવાના ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મિહાઈ પોપશોઈએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
રાષ્ટ્રપતિ મુર્મુ, સોમવારે મોલ્દોવાની રાષ્ટ્રપતિ માયા સેન્ડુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા કરશે. આ ઉપરાંત, તેઓ મોલ્દોવાની સંસદના અધ્યક્ષ ઇગોર ગ્રોસુ સાથે મુલાકાત કરશે અને મોલ્દોવા-ભારત સંસદીય મૈત્રી જૂથના સભ્યો સાથે વાતચીત કરશે. તેમનો વ્યાપાર મંચને સંબોધિત કરવાનો તથા મોલ્દોવામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે મળવાનો પણ કાર્યક્રમ છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ 19 થી 25 જુલાઈ સુધી મોલ્દોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજકીય યાત્રા પર છે. યાત્રાના બીજા તબક્કામાં તેઓ 21 જુલાઈના રોજ ઉત્તર મેસેડોનિયા પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિ ગોર્ડાના સિલજાનોવ્સ્કા-દાવકોવા સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. તેઓ પ્રધાનમંત્રી હ્રિસ્ટિજન મિકોસ્કી સાથે મુલાકાત કરશે, ઉત્તર મેસેડોનિયાની સંસદને સંબોધિત કરશે અને ભારત-ઉત્તર મેસેડોનિયા વ્યાપાર મંચમાં પણ ભાગ લેશે.
યાત્રાના અંતિમ તબક્કામાં રાષ્ટ્રપતિ 23 જુલાઈના રોજ રોમાનિયા પહોંચશે. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ, કાર્યકારી પ્રધાનમંત્રી અને સેનેટ અધ્યક્ષ સાથે મુલાકાત કરશે. સાથે જ ભારત-રોમાનિયા સંસદીય મૈત્રી જૂથના સભ્યો સાથે વાતચીત કરશે, ભારત-રોમાનિયા વ્યાપાર મંચને સંબોધિત કરશે અને ભારતીય સમુદાયના લોકો સાથે પણ મળશે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ