
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની હદમાં ધંધો, રોજગાર અથવા વ્યવસાય કરતા તમામ વેપારીઓ, ધંધાર્થીઓ તથા વ્યવસાયિકોને ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ–2019 હેઠળ ગુમાસ્તાધારા લાયસન્સ/ઇન્ટીમેશન મેળવવા તેમજ તેનું સમયસર નવીનીકરણ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના ધંધા-રોજગાર શાખાના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક વેપારીઓ અને વ્યવસાયિકો દ્વારા અગાઉ મેળવવામાં આવેલા ગુમાસ્તાધારા લાયસન્સનું હજુ સુધી નવીનીકરણ કરાવવામાં આવ્યું નથી. ઉપરાંત કેટલાક વેપારીઓએ હજુ સુધી લાયસન્સ/ઇન્ટીમેશન મેળવવાની કાર્યવાહી પણ પૂર્ણ કરી નથી. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ–2019 ની જોગવાઈઓ મુજબ દરેક વેપારી, દુકાનદાર, ધંધાર્થી તથા વ્યવસાયિક માટે ગુમાસ્તાધારા લાયસન્સ/ઇન્ટીમેશન મેળવવું અને તેનું નિયમિત નવીનીકરણ કરાવવું ફરજિયાત છે. તેથી જે વેપારીઓએ હજુ સુધી નોંધણી કરાવી નથી અથવા અગાઉ મેળવેલા લાયસન્સનું નવીનીકરણ બાકી છે, તેઓએ જરૂરી આધાર-પુરાવા અને સંબંધિત દસ્તાવેજો સાથે પોરબંદર મહાનગરપાલિકામાં વહેલી તકે હાજર રહી નોંધણી અથવા નવીનીકરણની કાર્યવાહી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવે છે.
મહાનગરપાલિકાએ તમામ વેપારીઓ અને વ્યવસાયિકોને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરી સમયસર નોંધણી અને નવીનીકરણ કરાવી જરૂરી સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya