

પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને બજાર સાથે જોડવાના હેતુથી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકના અવસરે સર્કિટ હાઉસ ખાતે રિસેપ્શન એરિયામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો વિશેષ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક બાદ મંત્રીએ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માહિતી મેળવી અને ખેડૂતોને આ પદ્ધતિ અપનાવી ગુણવત્તાસભર તથા આરોગ્યપ્રદ ઉત્પાદન તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની ખરીદી કરીને ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પહેલ દ્વારા સ્થાનિક ખેડૂતોને પોતાના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે અસરકારક મંચ મળ્યો હતો.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વેગ આપવા તેમજ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત વિવિધ પ્રોત્સાહક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારના પ્રયાસો પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધારવા અને ગ્રાહકોમાં આરોગ્યપ્રદ ઉત્પાદનો પ્રત્યે વિશ્વાસ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya