

વડોદરા , 19 જુલાઈ (હિ.સ.) વડોદરા-સુરત નેશનલ હાઇવે નંબર 48 પર બ્રિજ અને ફ્લાયઓવરની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાયેલી આધુનિક જીઓ સેલ ટેકનોલોજી પ્રથમ વરસાદમાં જ નિષ્ફળ જતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બ્રિજની આસપાસનો સ્લોપ ધોવાઈ જતાં સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી છે.નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાથી સુરત વચ્ચે, વિવિધ બ્રિજ અને નાળા પર ચાલી રહેલા પ્રોજેક્ટમાં સ્લોપના રક્ષણ માટે જીઓ સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે પ્રથમ જ વરસાદમાં અનેક સ્થળોએ સ્લોપ ધોવાઈ જતાં આ કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે.
ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ધોવાણ પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં માટીનું યોગ્ય કોમ્પેક્શન ન થવું, જીઓ સેલનું પૂરતું કોંક્રેટ કરવું, ભરણ સામગ્રીની નબળી ગુણવત્તા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. પરિણામે વરસાદી પાણીના ભારે પ્રવાહમાં સમગ્ર સ્લોપ ધોવાઈ જવાની સ્થિતિ સર્જાય છે.
આ પ્રકારની કામગીરીમાં ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ દરમિયાન સમારકામની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની રહેતી હોય છે. જો કામગીરીમાં ખામી જણાય તો NHAI દ્વારા તપાસ કરીને, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવા સહિત જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે અને ખામીનું સમારકામ પોતાના ખર્ચે કરાવવું પડે છે.
પ્રથમ વરસાદમાં જ આધુનિક ટેકનોલોજી ધરાવતી કામગીરી, ધોવાઈ જતાં ભ્રષ્ટાચાર અથવા ગુણવત્તામાં બેદરકારીની આશંકા વ્યક્ત થઈ રહી છે. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત સ્થળોએ તાત્કાલિક અને કાયમી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ