



પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો–2026 તથા માનનીય સર્વોચ્ચ અદાલતના વિવિધ આદેશોના અસરકારક અમલીકરણના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી (પ્રોજેક્ટ), મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત, આઈ.એન.એસ. સરદાર પટેલ, કોસ્ટ ગાર્ડ, જિલ્લા અદાલત, કલેક્ટર કચેરી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મેડિકલ કોલેજ, ભાવસિંહજી હોસ્પિટલ, રમતગમત સંકુલ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, એરપોર્ટ, રેલવે, સૌરાષ્ટ્ર કેમિકલ, સાંદીપનિ વિદ્યાનિકેતન, આર્ય કન્યા ગુરુકુલ સહિતની વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો–2026 મુજબ જે સંસ્થાઓનું નિર્મિત ક્ષેત્રફળ 20,000 ચોરસ મીટર અથવા તેથી વધુ, દૈનિક પાણીનો વપરાશ 40,000 લિટર અથવા તેથી વધુ અથવા દૈનિક ઘન કચરાનું ઉત્પાદન 100 કિલોગ્રામ અથવા તેથી વધુ હોય તે તમામ સંસ્થાઓ બલ્ક વેસ્ટ જનરેટર્સ તરીકે ગણાય છે અને તેઓએ પોતાના પરિસરમાં ઉત્પન્ન થતા કચરાનું વૈજ્ઞાનિક રીતે સંગ્રહ, સ્ત્રોતે જ અલગીકરણ, પ્રક્રિયા અને યોગ્ય નિકાલ કરવાની જવાબદારી નિભાવવાની રહેશે. બેઠક દરમિયાન તમામ બલ્ક વેસ્ટ જનરેટર્સને કેન્દ્રિય ઓનલાઈન પોર્ટલ પર ફરજિયાત નોંધણી કરાવવા, સૂકો કચરો, સેનિટરી કચરો અને વિશેષ પ્રકારના કચરાનો અધિકૃત એજન્સી મારફતે નિકાલ કરવાની તથા ભીના અને બાગાયતી કચરાની સ્થળ પર જ કમ્પોસ્ટિંગ, બાયો-મિથેનેશન અથવા સરકાર દ્વારા મંજૂર અન્ય ટેકનોલોજીથી વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરવાની જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ દર વર્ષે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા અથવા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ વાર્ષિક અહેવાલ રજૂ કરવાની ફરજ તથા એક્સટેન્ડેડ બલ્ક વેસ્ટ જનરેટર રિસ્પોન્સિબિલિટી હેઠળની જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો–૨૦૨૬નો મુખ્ય ઉદ્દેશ્ય કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન દ્વારા સ્વચ્છતા, પર્યાવરણનું સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તમામ બલ્ક વેસ્ટ જનરેટર્સે નિયમોનું સંપૂર્ણ પાલન કરી કચરાનું સ્ત્રોતે જ અલગીકરણ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા સુનિશ્ચિત કરવી જરૂરી છે. નિયમોના ભંગના કિસ્સામાં પર્યાવરણીય વળતર વસૂલવાની જોગવાઈ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
બેઠકના અંતે ઉપસ્થિત પ્રતિનિધિઓના પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ સાથે મહાનગરપાલિકા દ્વારા નિયમોના અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ તમામ સંસ્થાઓને સ્વચ્છ, હરિત અને ટકાઉ પોરબંદરના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya