



પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર સર્કિટ હાઉસ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર સુવિધાઓ તેમજ વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગત જિલ્લા સંકલન બેઠકમાં થયેલી ચર્ચાઓના અનુસંધાને આંગણવાડી કેન્દ્રો, બોખીરા આવાસ યોજના, શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોને વેગ આપવા માટે જરૂરી જમીન સંપાદનની કામગીરીની પણ વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે વિકાસલક્ષી યોજનાઓ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને જનહિતના કાર્યોમાં કોઈ વિલંબ ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
વધુમાં મંત્રીએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા કૃષિ શિબિરો યોજવા, વિવિધ સરકારી કચેરીઓમાં ઉત્પન્ન થતા કચરાના વૈજ્ઞાનિક અને યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, સરકારી કચેરીઓને સોલાર હેઠળ આવરી લેવા માટે સર્વે હાથ ધરવા તેમજ દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાણાણીએ રાજ્ય સરકારની સૂચનાઓનો ઉલ્લેખ કરતાં તમામ વિભાગીય અધિકારીઓને નિયમિત ફિલ્ડ મુલાકાતો કરવા, કચેરીમાં આવતા અરજદારોની રજૂઆતોનું અસરકારક ટ્રેકિંગ રાખવા તેમજ દરેક રજૂઆતનો અંતિમ નિકાલ થાય ત્યાં સુધી તેની સતત સમીક્ષા કરી અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી.
કલેક્ટરએ આગામી શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને જરૂરી પાયાની સુવિધાઓ તેમજ જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે તે માટે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, મેયર સાગર મોદી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર એ.ડી. મિયાત્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી હર્ષવર્ધન જાડેજા સહિત જિલ્લા સંકલન સમિતિના સભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya