વડોદરા મહાનગરપાલિકાની રિવ્યૂ બેઠકમાં વિકાસના અનેક મહત્વના નિર્ણયો, હેરિટેજથી લઈ ઇલેક્ટ્રિક બસ સુધીના પ્રોજેક્ટને મળશે વેગ
વડોદરા, 21 જુલાઈ (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે યોજાતી રિવ્યૂ બેઠકમાં શહેરના વિકાસને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. હેરિટેજ પ્રોજેક્ટ, ટ્રાફિક વ્યવસ્થા, ઇલેક્ટ્રિક બસ સેવા, ગુણવત્તા નિયંત્રણ અને નાગરિક સુવિ
વડોદરા મહાનગરપાલિકા


વડોદરા, 21 જુલાઈ (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે યોજાતી રિવ્યૂ બેઠકમાં શહેરના વિકાસને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. હેરિટેજ પ્રોજેક્ટ, ટ્રાફિક વ્યવસ્થા, ઇલેક્ટ્રિક બસ સેવા, ગુણવત્તા નિયંત્રણ અને નાગરિક સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલી રિવ્યૂ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શહેરના હેરિટેજને પ્રોત્સાહન આપવા અગાઉ બંધ થયેલી સોવેનિયર શોપ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ લાલ કોર્ટ અને માંડવી ગેટના સંરક્ષણ અને વિકાસની કામગીરીને પણ ગતિ આપવામાં આવશે.

શહેરમાં પ્રવાસનને વેગ આપવા માટે અકોટા–આજવા વિસ્તારમાં અંડરવોટર એક્વેરિયમ, સેવાસીમાં લીનિયર પાર્ક અને કમાટીબાગ ખાતે ક્રોકોડાઇલ વ્યૂઇંગ પાર્ક જેવા પ્રોજેક્ટ પર પણ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને નવા પાર્કિંગ ઝોન અને પાર્કિંગ ચાર્જીસ નક્કી કરવામાં આવશે. ઉપરાંત શહેરના વિવિધ બ્રિજ નીચે પાર્કિંગ સુવિધા વિકસાવવાની અને ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા બોલાર્ડ્સ લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

જાહેર પરિવહનને વધુ આધુનિક બનાવવા માટે ટૂંક સમયમાં 20 નવી ઇલેક્ટ્રિક બસો શહેરમાં શરૂ કરવામાં આવશે, જ્યારે આગામી સમયમાં વધુ 80 ઇલેક્ટ્રિક બસો ઉમેરવાની યોજના છે. આ માટે ઝોનવાર ચાર્જિંગ સ્ટેશન અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્વોલિટી કંટ્રોલ સેલ અને પ્લાનિંગ સેલને વધુ સક્રિય બનાવવામાં આવ્યા છે. કામમાં બેદરકારી અથવા ખામી સામે આવશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી અને PMC સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત સમા ડાઇવિંગ પૂલ, માંજલપુર ટ્રેકના રિનોવેશન, ડ્રેનેજ માસ્ટર પ્લાન હેઠળ સફાઈ, પાણીના દબાણ અને દૂષિત પાણીની સમસ્યાના નિરાકરણ તેમજ સરકારી શાળાઓ, આંગણવાડીઓ અને હોસ્પિટલોના નવીનીકરણના કામોને પણ ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande