


વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) વડોદરા જિલ્લાના બાજવા ગામમાં પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા વચ્ચે અનેક સ્થળોએ ગંભીર બેદરકારી સામે આવી છે. ખુલ્લી વરસાદી કાંસ, તૂટેલી ચેમ્બરો અને કચરાથી ભરાયેલા ડ્રેનેજને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામજનોએ તાત્કાલિક કામગીરીની માંગ સાથે જવાબદાર તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.
બાજવા ગામમાં પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ બાજવા બ્રિજની બંને બાજુ આવેલી વરસાદી કાંસની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. જેના કારણે કચરો ભરાઈ ગયો છે અને ભારે વરસાદ સમયે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત અનેક સ્થળોએ વરસાદી કાંસ ખુલ્લી હાલતમાં છે, જ્યારે ચેમ્બરો તૂટેલી હોવાના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને બાળકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. વરસાદી કાંસના જોડાણો પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાનું અને ખોદેલા ખાડાઓને સુરક્ષિત રીતે બંધ ન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, તો આવી જોખમી સ્થિતિ હજુ પણ કેમ યથાવત છે? જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?
ગામજનોએ બાજવા ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રને તાત્કાલિક ખુલ્લી કાંસ અને તૂટેલી ચેમ્બરોનું સમારકામ કરવા, વરસાદી કાંસની યોગ્ય સફાઈ કરવા તેમજ તમામ જોખમી સ્થળોએ સુરક્ષાના પૂરતા પગલાં ભરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ