
વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) દિલ્હીના જંતર-મંતર ખાતે NEET મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના પડઘા હવે વડોદરા સુધી પહોંચ્યા છે. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીનગર ગૃહ રોડ પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. NEET પરીક્ષામાં કથિત ગેરરીતિ અને કૌભાંડનો આક્ષેપ કરી કાર્યકરોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિ ઉગ્ર બનતા પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
વડોદરાના ગાંધીનગર ગૃહ રોડ પર આજે કોંગ્રેસ અને વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધ સાથે NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ શિક્ષણ બચાવો, ઇન્કલાબ જિંદાબાદ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી. હાથમાં પોસ્ટર અને પ્લેકાર્ડ લઈને કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિરોધને ધ્યાનમાં રાખી રાવપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ ચાલુ રહેતા 10થી વધુ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને પગલે ગાંધીનગર ગૃહ રોડ વિસ્તારમાં થોડા સમય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસે સરકાર પર શિક્ષણ વ્યવસ્થામાં નિષ્ફળતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ સમગ્ર મામલે સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ