ધાર્મિક અને ઐતિહાસિક ઓળખની સાથે સુદામાપુરીમાં ઔદ્યોગિક શહેરની ઓળખ ઉભી થશે
પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : સુદામાપુરી અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદર માટે ઉદ્યોગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત થવાના સંકેતો મળી રહ્યા છે. એક સમયે સિમેન્ટ, કેમિકલ, મીઠા સહિતના વિવિધ ઉદ્યોગોથી ધમધમતું પોરબંદર છેલ્લા ચાર દા
ધાર્મિક અને ઐતિહાસિક ઓળખની સાથે સુદામાપુરીમાં ઔદ્યોગિક શહેરની ઓળખ ઉભી થશે


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : સુદામાપુરી અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદર માટે ઉદ્યોગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત થવાના સંકેતો મળી રહ્યા છે. એક સમયે સિમેન્ટ, કેમિકલ, મીઠા સહિતના વિવિધ ઉદ્યોગોથી ધમધમતું પોરબંદર છેલ્લા ચાર દાયકાથી મોટા ઉદ્યોગોના અભાવે ખેતી અને મત્સ્યઉદ્યોગ આધારિત અર્થતંત્ર પર નિર્ભર બની ગયું હતું. પરિણામે રોજગારીની તકો ઘટી હતી અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ અસર પહોંચી હતી. હવે પોરબંદરને ફરી ઔદ્યોગિક નકશા પર લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્તરે પ્રયાસો તેજ બન્યા છે. પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોના પરિણામે ભારવાડા નજીક ફર્નિચર પાર્ક અને કુછડી નજીક ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવાના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

મળતી માહિતી મુજબ, અંદાજે બે હજાર એકર એટલે કે આશરે પાંચ હજાર વીઘા વિસ્તારમાં આ ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટ સાકાર થયા બાદ પોરબંદર દેશના અગ્રણી શિપબિલ્ડિંગ હબ તરીકે ઉભરી શકે છે. દરિયાકાંઠાનો ભૌગોલિક લાભ અને બંદર સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.ફર્નિચર પાર્ક અને શિપબિલ્ડિંગ ક્લસ્ટર શરૂ થતાં મોટા પાયે મૂડીરોકાણ આવવાની સાથે સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. પરિવહન, લોજિસ્ટિક્સ, નાના- મધ્યમ ઉદ્યોગો તેમજ સેવા ક્ષેત્રને પણ સીધો લાભ મળવાની સંભાવના છે. લાંબા સમયથી ઔદ્યોગિક વિકાસની રાહ જોઈ રહેલા પોરબંદર માટે આ પ્રોજેક્ટ મહત્વનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે.સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં પણ આ પ્રોજેક્ટને લઈને આશાવાદ જોવા મળી રહ્યો છે. તેમના મતે, જો બંને યોજનાઓ સમયસર અમલમાં આવશે તો પોરબંદરમાં ફરી ઉદ્યોગોનો સૂર્યોદય થશે, સ્થળાંતર ઘટશે અને શહેર ફરી આર્થિક રીતે સધ્ધર બનશે.

આગામી વર્ષોમાં પોરબંદર માત્ર ધાર્મિક અને ઐતિહાસિક ઓળખ પૂરતું નહીં, પરંતુ ઔદ્યોગિક વિકાસના નવા કેન્દ્ર તરીકે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande