
વોશિંગ્ટન, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા ગુગલ પર લગભગ 1 અબજ ડોલર (83.5 હજાર કરોડ રૂપિયા) નો એન્ટિ-ટ્રસ્ટ દંડ લાદવામાં આવ્યા પછી, અમેરિકા અને ઈયુ વચ્ચે વેપાર તણાવ ફરી એકવાર વધી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, આ કાર્યવાહીને અમેરિકન કંપનીઓ સાથે અયોગ્ય વ્યવહાર ગણાવતા ઈયુ વિરુદ્ધ સેક્શન 301 વેપાર તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ચેતવણી આપી કે, જો તપાસમાં આરોપો સાચા ઠરશે, તો યુરોપિયન યુનિયન પર નવા અને ભારે ટેરિફ લાદવામાં આવી શકે છે.
રશિયાના આંતરરાષ્ટ્રીય સમાચાર ટેલિવિઝન નેટવર્ક રશિયા ટુડે (આરટી)ના જણાવ્યા અનુસાર, આ જાહેરાત યુરોપિયન કમિશન દ્વારા ગુગલ પર €890 મિલિયન (લગભગ 97.84 હજાર કરોડ રૂપિયા) નો એન્ટિ-ટ્રસ્ટ દંડ લાદવામાં આવ્યા પછી કરવામાં આવી હતી. કમિશનનું કહેવું છે કે, ગુગલ એ તેના સર્ચ પરિણામોમાં, સ્પર્ધાત્મક સેવાઓની તુલનામાં તેની સેવાઓને અયોગ્ય લાભ આપ્યો.
તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું કે, ગુગલ પર 1 અબજ ડોલર, એપ્પલ પર 15 અબજ ડોલર, મેટા પર 3 અબજ ડોલર, એમેઝોન પર 2.5 અબજ ડોલર સહિત અનેક અમેરિકન કંપનીઓ પર લાદવામાં આવેલા દંડનો અમેરિકા હવે જવાબ આપશે. તેમણે ચેતવણી આપી કે, તપાસના પરિણામોના આધારે ઈયુ પર ટૂંક સમયમાં ભારે ટેરિફ લાદવામાં આવી શકે છે.
ટ્રમ્પે દાવો કર્યો કે, ગુગલ પર કુલ દંડ 18 અબજ ડોલરથી વધુ થઈ ગયો છે. જોકે, ઉપલબ્ધ સાર્વજનિક રેકોર્ડ્સ અનુસાર, છેલ્લા એક દાયકામાં યુરોપિયન કમિશન દ્વારા ગુગલ પર લાદવામાં આવેલી કુલ દંડની રકમ આનાથી ઓછી રહી છે અને ટ્રમ્પનો આ આંકડો વિવાદાસ્પદ માનવામાં આવી રહ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં પણ ગુગલ યુરોપિયન યુનિયનના €4.6 અબજ (લગભગ 50,571 કરોડ રૂપિયા) ના જૂના એન્ટિ-ટ્રસ્ટ દંડ સામે કાનૂની લડાઈ હારી ગયું હતું. આ મામલો એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ગુગલ સર્ચ અને ક્રોમને પહેલાથી ઇન્સ્ટોલ કરાવવાની શરતો સાથે સંકળાયેલો હતો.
નોંધનીય છે કે, સેક્શન 301 તપાસ અમેરિકી સરકારની એવી પ્રક્રિયા છે, જેના હેઠળ એ નક્કી કરવામાં આવે છે કે કોઈ વિદેશી દેશની વેપાર નીતિઓ અમેરિકન કંપનીઓ સાથે અયોગ્ય કે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરી રહી છે કે નહીં. જો તપાસમાં આવા આરોપો સાચા ઠરે છે, તો અમેરિકા સંબંધિત દેશ પર વધારાના ટેરિફ અથવા અન્ય વેપારી પ્રતિબંધો લગાવી શકે છે.
આ દરમિયાન, અમેરિકી વિદેશ વિભાગના અંડર સેક્રેટરી જેકબ હેલબર્ગે પણ ઈયુ ની ટીકા કરતા કહ્યું કે, ગુગલ પાસેથી વસૂલવામાં આવેલો દંડ યુરોપિયન યુનિયનના ઘણા સભ્ય દેશોના બજેટ યોગદાન કરતાં પણ વધુ છે. તેમણે કહ્યું કે, હવે અમેરિકાએ તેની કંપનીઓના હિતોની રક્ષા માટે નક્કર પગલાં ભરવા પડશે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ