
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.). પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ટેન્ક જિલ્લામાં એક સંયુક્ત પોલીસ ચોકી પર થયેલા આતંકી હુમલામાં 14 સુરક્ષાકર્મીઓ સહિત 15 લોકોના મોત થયા. પાકિસ્તાન સેનાના મીડિયા વિભાગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર) અનુસાર, સુરક્ષા દળોએ વળતી કાર્યવાહીમાં 12 આતંકવાદીઓને ઠાર કર્યા.
આઇએસપીઆરના હવાલાથી જીઓ ન્યૂઝે જણાવ્યું કે, 23 અને 24 જુલાઈની મધ્યરાત્રિએ આતંકવાદીઓએ ચોકીની સુરક્ષા ઘેરાબંધી તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ પછી, ભાગી રહેલા આતંકવાદીઓનો પીછો કરતા 12 હુમલાખોરોને ઠાર કરવામાં આવ્યા.
સેનાએ જણાવ્યું કે, હુમલો નિષ્ફળ થયા પછી આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલા વાહનને ચોકીની બહારની દીવાલ સાથે અથડાવ્યું. આ શક્તિશાળી વિસ્ફોટમાં ચોકીને ભારે નુકસાન થયું અને 15 લોકોના જીવ ગયા. મૃતકોમાં સેનાના 12 જવાનો, બે પોલીસકર્મીઓ અને વન વિભાગના એક પૂર્વ સરકારી અધિકારીનો સમાવેશ થાય છે.
આઇએસપીઆરએ કહ્યું કે, વિસ્તારમાં બચેલા આતંકવાદીઓની શોધ માટે શોધખોળ અભિયાન ચાલુ છે. સેનાએ પુનરોચ્ચાર કર્યો કે દેશમાંથી આતંકવાદના ખતરાને સમાપ્ત કરવા માટે સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓ આતંકવાદ વિરોધી અભિયાન સતત ચાલુ રાખશે.
હુમલા પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે તેની સખત નિંદા કરી. બંને નેતાઓએ શહીદ સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઓપરેશનમાં 12 આતંકવાદીઓને ઠાર કરવા બદલ સુરક્ષા દળોની પ્રશંસા કરી.
પાકિસ્તાનમાં વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તામાં પાછા ફર્યા પછીથી, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ જ પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાન સરકાર આતંકવાદ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ