
પાટણ, 27 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક કારોબારી અધ્યક્ષ નીલમ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં કુલ 31 વિકાસલક્ષી કામોને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી, જેમાં 26 મુખ્ય અને 5 વધારાના કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં 8 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા.
મંજૂર કરાયેલા કામોમાં ગટર વ્યવસ્થાના સુધારણા માટે જનરેટર અને મોટરોની ખરીદી, પીવાના પાણીની સુવિધા મજબૂત બનાવવા માટેના કામો, વરસાદી પાણીના નિકાલ, સ્વચ્છતા અને શહેરના વિવિધ રસ્તાઓના સમારકામને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉપરાંત વોટર ડિપાર્ટમેન્ટના 11 જેટલા કામો તેમજ હાઇવે પર પાણીની પાઇપલાઇન નાખવાના મહત્વના પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.
બેઠકમાં ભવિષ્યમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે આયોજન કરવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ કોર્પોરેટર દીક્ષિત પટેલની રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશન માટે જગ્યાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે નગરપાલિકા દ્વારા સર્વે પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સાથે જ તાત્કાલિક ધોરણે DVR ખરીદવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત રોટલીયા હનુમાનથી ટ્રાયંગલ થઈને ઊંઝા ત્રણ રસ્તા સુધીના મંજૂર રોડના કામમાં ફેરફાર કરીને તેની પહોળાઈ ઘટાડીને અંદાજે 700 મીટર સુધી કામ પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ભવિષ્યમાં તે વિસ્તારના રહેવાસીઓને ઊંઝા ત્રણ રસ્તા સુધીની અવરજવરમાં વધુ સુવિધા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ