
જુનાગઢ, 27 જુલાઈ (હિ.સ.)
તાજેતરમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના અનેક માર્ગો પાણીથી ક્ષતિગ્રસ્ત થયાં છે. આ માર્ગો તરત જ મોટરેબલ બને તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત રિપેરિંગ અને સમારકામ હાથ ધરી તમામ રસ્તાઓ નાગરિકો માટે ખુલ્લા રહે અને વાહનવ્યવહારની કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રત્યે લક્ષ આપી અને કાર્ય કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના તમામ કલેક્ટરોના સંપર્કમાં રહી વરસાદ બાદ તૂટેલા માર્ગોના લીધે નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી પડે નહી અને ઝડપથી સ્થિતિ પૂર્વવત થાય તે માટે કાર્યરત છે.
આ કડીમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગો કે પૂલો ઝડપથી રિપેર થાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ગીર સોમનાથ જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વર્ચ્યૂઅલ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીએ ઉચ્ચ અધિકારીશ્રીઓ પાસેથી જિલ્લાના વિવિધ રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વિગતવાર ચિતાર મેળવ્યો હતો.
મંત્રીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને લક્ષ્યમાં રાખી અને જર્જરિત શૈક્ષણિક ઈમારતોના દુરસ્તીકરણ પર ભાર મૂક્યો હતો અને બાળકો પ્રત્યે સવિશેષ કાળજી રાખી શાળામાં વિદ્યાર્થીઓની સગવડતાઓ અને ખૂટતી સુવિધાઓની આપૂર્તી થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રી સમક્ષ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ભાવનગર-રાજકોટ, નેશનલ હાઈવે (રાજ્ય), માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), ગુજરાત મેરિટાઈમ બોર્ડ, મત્સ્યોદ્યોગ અને નગરપાલિકા હસ્તકના પુલોની વિગતો રજૂ કરી હતી.
વધુમાં તેમણે વેરાવળ તાલુકાના કાજલી ગામના એ.પી.એમ.સી. પાસે આવેલા હિરણ નદી પરના પુલ, તાલાલા તાલુકાના ગલિયાવડ ગામ પાસે હિરણ નદીનો પુલ, સૂત્રાપાડા તાલુકાના પ્રાચી પર આવેલા સરસ્વતી નદી પુલ, ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રુપેણ નદીનો પુલ, ઉના-ગીરગઢડા-જામવાડા રોડ પર આવેલા મેજર-માઈનોર બ્રીજ તેમજ ધોકડવા ખાતે આવેલા રાવલ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા અંગેના પ્રતિબંધ સહિત નાગરિકોની સલામતી માટે લીધેલા આગોતરા પગલા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર પરેશ રાજપુરાએ જિલ્લામાં આંગણવાડીની સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧,૧૬૬ આંગણવાડી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. ૫૯૮ ગ્રામીણ આંગણવાડી અને ૪૩ શહેરી આંગણવાડી પોતાના મકાનમાં સ્થિત છે. જ્યારે ૨૭૧ ગ્રામીણ અને ૨૫૪ શહેરી આંગણવાડી ભાડાના મકાનમાં કાર્યરત છે. પોતાના મકાન ન ધરાવતા આંગણવાડી કેન્દ્રો પૈકી ૧૮૨ આંગણવાડી કેન્દ્રો પર દરખાસ્ત, ટેન્ડરિંગ, વર્ક ઓર્ડર સહિતનું આયોજન થઈ ગયું છે અને ૧૯ આંગણવાડી કેન્દ્રો પર પ્લિન્થ, સ્લેબ, લિન્ટલ, ફિનિશિંગ લેવલ પર કામ પ્રગતિમાં છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર તેમજ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ