
સુરત, 27 જુલાઈ (હિ.સ.) : સુરત જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળો અટકાવવા અને જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે માંડવી તાલુકાના મોટીચેર, જાંખલા, કાકરાપાર ગામોમાં ભારે વરસાદના કારણે ભરાયેલ પાણી ઓસરી ગયા બાદ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પીવાના પાણીનું ક્લોરીનેશન, સાફસફાઇ, દવાનો છંટકાવ (ડસ્ટિંગ), આવશ્યક સ્થળોએ ફોગિંગ, તેમજ સ્થાનિક નાગરિકોના હેલ્થ ચેક-અપ કરીને જરૂરિયાત મુજબ સારવાર અને દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું.
આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે-ઘરે મુલાકાત લઈ તાવ, ઝાડા-ઊલટી, ચામડીના રોગો અને મચ્છરજન્ય રોગોના લક્ષણો અંગે સર્વેલન્સ હાથ ધર્યું હતું. સાથે જ લોકોને ઉકાળેલું અને ક્લોરિનયુક્ત પાણી પીવા, ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, સ્વચ્છતા જાળવવા તેમજ કોઈપણ પ્રકારના રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે