



કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : ભુજ ખાતે રાજગોર સમાજવાડીમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચૂંટણી લડેલા ઉમેદવારોએ હાજરી આપી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંગઠનને વધુ સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાન અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
બેઠકને સંબોધતા જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું કે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વીજળી, પરિવહન અને મોંઘવારી જેવા અનેક પ્રશ્નો આજે કચ્છની પ્રજાને અસર કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ આ તમામ મુદ્દાઓ પર જનઆંદોલન ઊભું કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગામથી લઈને શહેરના દરેક બૂથ સુધી સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
તેમણે પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ, શિસ્તભંગ અથવા સોશિયલ મીડિયામાં પક્ષને નુકસાન પહોંચાડે તેવી કોઈપણ હરકત સહન કરવામાં આવશે નહીં અને આવા લોકો સામે કડક સંગઠનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હોદ્દો ધરાવતા છતાં પક્ષ માટે સક્રિય કામગીરી ન કરતા આગેવાનોને સ્વૈચ્છિક રીતે જવાબદારી છોડવાની પણ અપીલ કરી હતી.
કારોબારી બેઠક દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાગ લેનારા તેમજ વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ વક્તાઓએ કાર્યકરોને પ્રજા સાથે સતત સંપર્કમાં રહી સ્થાનિક પ્રશ્નો માટે લડત ચલાવવાનો સંદેશ આપ્યો હતો.
બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ઠરાવો પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમાં પીવાના પાણીની સુવિધા મજબૂત કરવી, ખેડૂતોને યોગ્ય વળતર અને વધુ વીજ પુરવઠો આપવો, રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવું, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રની ખાલી જગ્યાઓ ભરવી, મોંઘવારી પર નિયંત્રણ લાવવું, ગેરકાયદે ખનન અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવી તેમજ સ્થાનિક યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા આપવાની માંગ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોંગ્રેસે આગામી સમયમાં પ્રજાના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને સમગ્ર જિલ્લામાં વધુ આક્રમક જનસંપર્ક અને આંદોલનનો માર્ગ અપનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar