
સુરત, 27 જુલાઈ (હિ.સ.): સુરતના પર્વત પાટીયા BRTS જંકશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે એક ગંભીર ઘટના બની હતી. બસમાં મુસાફરો હજુ ચઢી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે અચાનક બસ આગળ ધપાવી દીધી. દરવાજો બંધ થતાં એક વૃદ્ધ મુસાફરનો હાથ તેમાં ફસાઈ ગયો અને તેઓ બે-ત્રણ ફૂટ સુધી રસ્તા પર ઢસડાયા. આ દરમિયાન બસમાં ચઢી રહેલા બે યુવકો પણ સંતુલન ગુમાવી વૃદ્ધ પર પડી ગયા.
સદનસીબે બસ તરત જ રોકી દેવામાં આવતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મુસાફરોના જણાવ્યા મુજબ, પર્વત પાટીયા જંકશન પર લાંબા સમય સુધી બસ ન મળતાં ભારે ભીડ સર્જાય છે. બસોની અછતને કારણે મુસાફરો ઉતાવળમાં બસમાં ચઢવા મજબૂર બને છે, જેના કારણે આવી જોખમી પરિસ્થિતિ ઊભી થાય છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ઘણા BRTS ડ્રાઈવરો વધુ ઝડપે બસ ચલાવે છે અને કેટલીક વખત બસના દરવાજા સંપૂર્ણ બંધ થયા વગર જ બસ આગળ વધારી દે છે, જે મુસાફરોની સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભું કરે છે.
ઘટના બાદ BRTS તંત્રએ ડ્રાઈવર સલમાન કુરેશીને, તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી બ્લેકલિસ્ટ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારે વરસાદને કારણે કેટલીક ઇલેક્ટ્રિક બસોની બેટરીમાં ખામી આવતા રૂટ નંબર 12 પર બસોની સંખ્યા ઘટી છે, જેના કારણે સેવા પર અસર પડી છે. બીજી તરફ મુસાફરોએ બસોની સંખ્યા વધારવા, સુરક્ષા નિયમોનું કડક પાલન કરાવવા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે