
પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.)કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસટી બસ સ્ટેશનમાંથી ચોરાયેલા સ્કૂટરની ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી રૂ. 35 હજાર કિંમતનું TVS જ્યુપિટર સ્કૂટર પણ કબજે કરી અનડિટેક્ટ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે.જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન તેમજ શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. સોલંકીના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ ટીમને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એ. ડોડીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે ચોરાયેલું સ્કૂટર લઈને એક શખ્સ ઓડદર તરફથી પોરબંદર આવી રહ્યો છે. પોલીસે ઇન્દિરાનગર રાજવી પાર્ટ પ્લોટ પાસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. ત્યાં એક વ્યક્તિ ચોરાયેલા સ્કૂટર સાથે મળી આવ્યો હતો.પોલીસે સ્કૂટર અંગે દસ્તાવેજોની માંગણી કરતાં તે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો. વધુ પૂછપરછ દરમિયાન તેણે એક દિવસ અગાઉ પોરબંદર એસટી બસ સ્ટેશનમાંથી TVS જ્યુપિટર સ્કૂટર (રજી. નં. GJ-25-L-3570) ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પકડાયેલા આરોપીની ઓળખ સંજય ઉર્ફે ચીમન ગોવિંદભાઈ કાથડ (ઉંમર 35), રહેવાસી આજક ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી રૂ. 35 હજાર કિંમતનું ચોરાયેલું સ્કૂટર કબજે કરી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એ. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ ભીમશી પરબતભાઈ, નરેન્દ્ર ત્રિકમભાઈ, કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ, સુરેશ કીશાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, દક્ષાબેન ગીજભાઈ તેમજ નેત્રમ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya