
સુરત, 27 જુલાઈ (હિ.સ.): સુરતમાં ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની અને સમગ્ર દેશમાં ગોવધ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાની માગ સાથે ગૌરક્ષકો તથા વિવિધ ધાર્મિક-સામાજિક સંગઠનોએ વિશાળ જનજાગૃતિ રેલી યોજી હતી. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ગૌભક્તોએ વાછરડું સાથે લાવી પોતાના લોહીથી લખેલા આવેદનપત્ર અને પોસ્ટરો અધિકારીઓને સોંપ્યા. આ અનોખા વિરોધ પ્રદર્શનને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
રેલી દરમિયાન ગૌરક્ષક આગેવાનોએ સરકાર અને રાજકીય નેતાઓ પર વચનભંગનો આક્ષેપ કરતાં જણાવ્યું કે ગૌરક્ષા અને ગૌમાતાના સન્માનના મુદ્દે ચૂંટણી સમયે મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ સત્તામાં આવ્યા બાદ તે ભૂલી જવાય છે. તેમના જણાવ્યા મુજબ દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગને વ્યાપક સમર્થન મળી રહ્યું છે, છતાં સરકાર દ્વારા આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. તેમણે ગૌરક્ષા માટે વધુ કડક કાયદાની પણ માંગ કરી હતી.
મહિલા આગેવાનોએ પણ રેલીમાં જોડાઈ ગૌમાતાના સંરક્ષણ માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી. તેમનું કહેવું હતું કે ગાયોની હાલત ચિંતાજનક બની રહી છે અને તેમની સુરક્ષા માટે અસરકારક નીતિ જરૂરી છે. જો સરકાર તેમની માગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લે, તો ભવિષ્યમાં લોકશાહી રીતે વધુ આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવાની ચેતવણી પણ ગૌભક્તોએ આપી હતી. સુરત ઉપરાંત ભરૂચ, જામનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ આવેદનપત્રો પાઠવી, સમાન માગણીઓ રજૂ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે