
સુરત, 27 જુલાઈ (હિ.સ.): શહેરમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં ગંદકી અને કાદવ-કીચડની સમસ્યા સર્જાઈ હતી. નાગરિકોના આરોગ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપીને સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સફાઈ વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરએ કતારગામ ઝોનના મીના નગર રોડ અને તાપી તૃપ્તિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અચાનક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કમિશનરએ સ્થળ પર જઈને કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વરસાદી ગંદકીનો ત્વરિત નિકાલ લાવવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ વરસાદી પાણી ઓસર્યા બાદ રસ્તાઓ પર જમા થયેલા કચરાને દૂર કરવા માટે પણ વિશેષ કામગીરી હાથ ધરાઈ હતી. લિંબાયત ઝોન અંતર્ગત આવતા મોડલ ટાઉન રોડ તથા મગોબ વિસ્તારમાં કચરો તેમજ કાદવ-કીચડ દૂર કરવા સઘન સફાઈ કરવામાં આવી હતી. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં સુગમતા રહે.
ઉપરાંત, ભારે વરસાદ બાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ન વધે અને ડેન્ગ્યુ, મેલેરિયા તથા અન્ય મચ્છરજન્ય રોગોનો ફેલાવો અટકાવી શકાય તે માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જન આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અને જંતુનાશક દવાઓના છંટકાવની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે