
પાટણ, 28 જુલાઈ (હિ.સ.) પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલ ઠાકર સામે રજૂઆત કરવા આવેલા યુવકો સાથે ઝપાઝપી, મોબાઈલ તોડી નુકસાન પહોંચાડવા અને ધમકી આપવાના આક્ષેપ સાથે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. શાંકુતલ સોસાયટીમાં ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા અંગે રજૂઆત દરમિયાન આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી હિતેષ ઘેમરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, તેઓ 18 જુલાઈએ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં ચર્ચા દરમિયાન તેમની સાથે આવેલા વિપુલ ચૌધરી વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે ચીફ ઓફિસરે વિરોધ કરી ઝપાઝપી કરી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં એવો પણ આરોપ છે કે ઝપાઝપી દરમિયાન વિપુલ ચૌધરીના હાથમાંથી અંદાજે ₹24,000 કિંમતનો મોબાઈલ આંચકી જમીન પર પછાડી તોડી નાખ્યો હતો. ઉપરાંત ફરિયાદી યુવકોને કેરિયર બગાડવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે પાટણ સીટી એ ડિવિઝન પોલીસે હીરલ ઠાકર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી હિતેષ દેસાઈ પાટણ શહેર NSUI પ્રમુખ છે, જ્યારે તેમના પિતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માતા કોર્પોરેટર છે.
બીજી તરફ, ચીફ ઓફિસર હીરલબેન ઠાકરે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ યુવકોએ અશોભનીય વર્તન કર્યું હતું અને તેમણે પણ સમગ્ર ઘટનાની અરજી પોલીસને આપી છે. તેમણે જણાવ્યું કે મામલો હાલ કોર્ટ સમક્ષ હોવાથી કાયદાકીય પ્રક્રિયા મુજબ નિર્ણય આવશે.
આ સમગ્ર ઘટનાને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ચીફ ઓફિસરની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે રજૂઆત કરવા આવેલા લોકો સાથે દાદાગીરી કરવી અધિકારીને શોભતી નથી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ