
પાટણ, 28 જુલાઈ (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના સમોડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગામ નમૂના નં. 12માં પાણી પત્રક, પાણીના સ્રોત સંબંધિત નોંધો, મરણ વારસાઈ, સંમતિ લેખના આધારે નામફેર સહિતની વિવિધ અરજીઓ પર નિયમ મુજબ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ગામના પૂર્વ સરપંચ ચૌધરી ચંદ્રકાન્ત કાળુભાઈએ સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરી હતી. તેમ છતાં અરજદારના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ અમલ થયો નથી.
આ દરમિયાન સંબંધિત તલાટી કમ મંત્રી એસ.ટી.આઈ. (STI)ની પરીક્ષામાં સફળ થઈ નવી સરકારી નોકરી મળતાં ગત સપ્તાહે તાલુકા વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું સોંપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે હવે તલાટીના રાજીનામા પહેલાં પડતર અરજીઓનો નિકાલ થશે કે નહીં તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
અરજદાર ચૌધરી ચંદ્રકાન્ત કાળુભાઈના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી તેમની સહિત અનેક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે અરજદારોને ન્યાય મળ્યા વગર તલાટીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવશે કે પહેલા બાકી રહેલી અરજીઓનો કાયદેસર નિકાલ કરવામાં આવશે.
ચંદ્રકાન્તભાઈએ જણાવ્યું હતું કે 24 જુલાઈના રોજ તાલુકા વિકાસ અધિકારી સાથે રૂબરૂ મુલાકાત દરમિયાન તેમને તલાટીએ રાજીનામું આપ્યું હોવાનું જણાવાયું હતું. ત્યારે તેમણે પોતાની રજૂઆતો અંગે પૂછતાં તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.
જોકે તાલુકા વિકાસ અધિકારી તરફથી સંતોષકારક જવાબ ન મળતાં અને તલાટી વિરૂદ્ધ મા કોઇપણ પ્રકારની કાર્યવાહી તથા એકપણ નોટીસ ન પાઠવવા મા ન આવતા અંતે અરજદાર સોમવારે જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. કે. મકવાણાને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષથી પડતર રહેલા નવ પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરી હતી અને પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી તલાટીનું રાજીનામું મંજૂર ન કરવા માંગ કરી હતી.
અરજદારનો દાવો છે કે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે જ્યાં સુધી પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તલાટીને છૂટા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે.
આ અંગે તાલુકા વિકાસ અધિકારી વિજય પરમારે જણાવ્યું હતું કે સંબંધિત તલાટીને નવી નોકરી મળતાં તેમણે રાજીનામું આપ્યું છે અને તેની દરખાસ્ત જિલ્લા કચેરીમાં મોકલી દેવામાં આવી છે. જોકે જિલ્લા કચેરી તરફથી રાજીનામું મંજૂર કે નામંજૂર કરવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પત્ર પ્રાપ્ત થયો નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ