

સુરત, 28 જુલાઈ (હિ.સ.) સુરત જિલ્લામાં વરસાદી વિરામ બાદ સંભવિત રોગચાળો અટકાવવા અને જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી કરાઈ રહી છે.
સૌથી વધુ અસરગ્રસ્ત એવા જિલ્લાના ઓલપાડ, સેવણી, તેન, કાંકરિયા, હળદવા, લુવારા, લીંબાડા, માસમા, સરોલી, બગુમરા, બારડોલી સહિતના કુલ 43 અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જઈ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા આરોગ્ય વિભાગની 161 ટીમો દ્વારા અત્યાર સુધી 2710 ઘરોના સર્વે કરવામાં આવ્યાં હતા. જેમાં ડોર ટુ ડોર કુલ 15,511 ક્લોરીન ટેબ્લેટનું વિસ્તરણ અને 566 જેટલા તાવ, ઝાડા-ઉલટી, શરદી-ખાંસી સહિતના કેસો નોંધાયા હતા. તેમજ 76 મેડીકલ કેમ્પ હેઠળ કુલ 2179 દર્દીઓને સારવાર અપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની મેડીકલ ટીમ દ્વારા સઘન આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ટીમ દ્વારા કલોરીનેશન કામગીરીનું મોનિટરિંગ કરવા સાથે ઘર-ઘર જઈને ઓ.આર.એસ.(ORS), ક્લોરીન ટેબ્લેટ્સ અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ રોગચાળો અટકાવવા માટે ઇન્ટ્રા-પેરા ડોમેસ્ટિક એન્ટી લાર્વલ કામગીરી અને પાવડર છંટકાવ (ડસ્ટિંગ) કરવામાં આવે છે. પાણીજન્ય અને વાહકજન્ય રોગો અંગે લોકજાગૃતિ ફેલાવવા આઈ.ઇ.સી. (IEC) પ્રવૃત્તિઓ હાથ ધરીને સામાન્ય રોગો જેવા કે ઝાડા, તાવ અને શરદી-ખાંસીની સ્થળ પર જ સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, પાણીની શુદ્ધતા ચકાસવા માટે આર.સી. ટેસ્ટ (RC Test) ની કામગીરી અને આશ્રયસ્થાનોમાં વિશેષ આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે