ગાંધીધામમાં હાઈપ્રોફાઈલ અપહરણકાંડનો ભેદ ઉકેલાયો: ટ્રાન્સપોર્ટ વેપારી પાસેથી ₹55 કરોડથી વધુના ક્રિપ્ટો પડાવનાર 7 આરોપી ઝડપાયા
કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીના અપહરણ અને કરોડો રૂપિયાની ક્રિપ્ટોકરન્સી પડાવવાના ચકચારી કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલા આ
ગાંધીધામ અપહરણ કેસના આરોપીઓ


કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીના અપહરણ અને કરોડો રૂપિયાની ક્રિપ્ટોકરન્સી પડાવવાના ચકચારી કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કેસમાં પોલીસે સાત આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે ત્રણ આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમો દ્વારા સઘન શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ કેસમાં અપહરણ, મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી અને ક્રિપ્ટોકરન્સી મારફતે કરોડોની ખંડણી વસૂલવાનો ગંભીર ગુનો સામે આવ્યો છે.

પોલીસ તપાસ મુજબ, 21 જુલાઈ 2026ના રોજ મુખ્ય સૂત્રધાર જાવેદ અને તેના સાગરીતોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી ટ્રાન્સપોર્ટ વેપારીને વિશ્વાસમાં લઈને કારમાં બેસાડ્યો હતો. ત્યારબાદ તેને ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જઈ દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો. વેપારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના પરિવાર પર ભારે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.

આરોપીઓએ વેપારીના દુબઈમાં રહેતા ભાઈનો વીડિયો કોલ દ્વારા સંપર્ક કરી અપહરણ કરાયેલા ભાઈનો જીવ બચાવવા માટે મોટી રકમની માંગણી કરી હતી. આરોપીઓએ મોકલેલા ક્રિપ્ટો વૉલેટમાં કુલ 5,84,500 USDT ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, જેની કિંમત ભારતીય ચલણ મુજબ અંદાજે ₹55.52 કરોડ થાય છે. આ ઉપરાંત અગાઉથી પણ વેપારીના પરિવાર પાસેથી આંગડિયા મારફતે ₹20 લાખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ ગંભીર ઘટનાને પગલે અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીની દેખરેખ હેઠળ એલસીબી અને 'એ' ડિવિઝન પોલીસ સહિત કુલ 10 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય આધુનિક તપાસ પદ્ધતિઓના આધારે પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં હર્ષ કિશોર સદાદપુરી, રાજ દીપક ધનવાણી, ઇબ્રાહીમ જુસબ બુચડ, હુશેન જુસબ બુચડ, શબીર અભુ સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ લીલારામ હેમનાણી અને સચીન વિકાસ આનંદાનીનો સમાવેશ થાય છે. બીજી તરફ મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચા સહિત રિઝવાન હુસેન ખીચા અને સોહિલ જુસબ બુચડ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.

કાર્યવાહી દરમિયાન પોલીસે ₹9.68 લાખની રોકડ, 11 મોબાઇલ ફોન સહિત મહત્વનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા તેમજ ફરાર આરોપીઓ સામે અગાઉ સાયબર ક્રાઇમ, પ્રોહિબિશન, જુગાર, મારામારી અને પેટ્રોલિયમ પાઇપલાઇન ચોરી જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે.

ગુનાની તપાસને વધુ મજબૂત બનાવવા પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. ભરચક વિસ્તારમાંથી થયેલા આ અપહરણને કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ પોલીસે એક સપ્તાહની અંદર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય કડી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

હવે તપાસનો મુખ્ય કેન્દ્રબિંદુ એ રહેશે કે વેપારી પાસે આટલી મોટી માત્રામાં ક્રિપ્ટોકરન્સી કેવી રીતે ઉપલબ્ધ હતી, તેમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા ગેંગની સંડોવણી છે કે નહીં અને આ સમગ્ર ષડયંત્ર પાછળનું મોટું નેટવર્ક શું છે. પોલીસનું માનવું છે કે આગળની તપાસમાં હજુ અનેક મહત્વપૂર્ણ અને ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande