
સુરત, 28 જુલાઈ (હિ.સ.) સુરતના સિંગણપોર સ્થિત નક્ષત્ર સેફ હાઉસમાં ગ્રાહકોના આશરે ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ થવાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેમના બે પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ તેમજ એક લોકર બ્રેકરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ ગ્રાહકોના લોકરમાંથી કિંમતી દાગીના ચોરી કરવા માટે પૂર્વઆયોજિત યોજના બનાવી હતી અને ડુપ્લિકેટ ચાવીની મદદથી અલગ-અલગ સમયે લોકર ખોલીને દાગીના કાઢતા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંચાલકના પુત્રને શેરબજારમાં અંદાજે ₹3 કરોડનું નુકસાન થતાં આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે આ કાવતરું ઘડાયું હતું. છેલ્લા એક વર્ષથી આરોપીઓ જરૂરિયાત મુજબ લોકર ખોલીને દાગીના કાઢતા અને તેને વેચીને રકમ મેળવતા હતા. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી, ડીવીઆર, ડિજિટલ રજિસ્ટર સહિતના પુરાવા કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટના જાહેર થતાં જ સિંગણપોર ઉપરાંત વરાછા અને મહિધરપુરાની અન્ય શાખાઓ પર પણ લોકરધારકોની ભારે ભીડ ઉમટી પડી હતી. પોતાના દાગીના અને રોકડ સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે લોકો લાંબી કતારમાં ઊભા રહ્યા હતા. ઘણા ગ્રાહકોએ લોકર ખોલીને કિંમતી સામાન પોતાની સાથે લઈ જવાનું પસંદ કર્યું હતું, જ્યારે કેટલીક જગ્યાએ ભારે ભીડને કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો.
પોલીસે જણાવ્યું છે કે હાલ ચોરીનો ગુનો મુખ્યત્વે સિંગણપોર બ્રાન્ચ સુધી મર્યાદિત હોવાનું સામે આવ્યું છે, પરંતુ અન્ય શાખાઓમાં પણ સમાન પ્રકારની ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. સુરત પોલીસે ખાનગી લોકર સેવાઓનો ઉપયોગ કરતા લોકોને સંસ્થાની વિશ્વસનીયતા તપાસવાની તેમજ સમયાંતરે પોતાના લોકરમાં રાખેલા સામાનની ચકાસણી કરવાની અપીલ કરી છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે