અમદાવાદના ઉદ્યોગપતિ ઉમંગ ઠક્કર ઝડપાયા, ₹1.56 કરોડની છેતરપિંડીનો આરોપ
સુરત, 28 જુલાઈ (હિ.સ.): સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પ્લોટ વેચાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે અમદાવાદના ઉદ્યોગપતિ ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખોલવડ ગામમાં ''સહજાનંદ નિર્વાણા'' નામે પ્લોટિંગ પ્રોજ
Surat


સુરત, 28 જુલાઈ (હિ.સ.): સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પ્લોટ વેચાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે અમદાવાદના ઉદ્યોગપતિ ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખોલવડ ગામમાં 'સહજાનંદ નિર્વાણા' નામે પ્લોટિંગ પ્રોજેક્ટ શરૂ કરીને લોકોને રોકાણ માટે આકર્ષવામાં આવ્યા હતા. જોકે, તપાસમાં સામે આવ્યું કે પ્રોજેક્ટ માટે દર્શાવાયેલી જમીનનું ટાઇટલ સ્પષ્ટ ન હતું અને તે અગાઉ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ 15થી વધુ લોકોને પ્લોટ આપવાના વાયદા કરીને કુલ ₹1.56 કરોડ વસૂલ્યા હતા. જોકે, રોકાણકારોને ન તો પ્લોટનો કબજો આપવામાં આવ્યો અને ન તેમની રકમ પરત કરવામાં આવી. વધુમાં, પ્રોજેક્ટ પાસે જરૂરી RERA મંજૂરી પણ નહોતી અને જમીનને લઈને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ ભોગ બનનારાઓએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધર્યા બાદ ઉમંગ ઠક્કરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કામરેજ પોલીસના જણાવ્યા મુજબ, કેસની તપાસ હજુ ચાલુ છે અને અન્ય આરોપીઓની ભૂમિકા તેમજ વધુ કોઈ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande