
અમદાવાદ,28 જુલાઇ (હિ.સ.) અમદાવાદના નવરંગપુરામાં આવેલ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થી વિદ્યાર્થીના બે લેપટોપ ચોરાયાની ઘટના સામે આવી છે. કોલેજમાં આવેલ લાયબ્રેરીની બહાર બેગ મૂકીને ફોન પર વાત કરી રહેલા વિદ્યાર્થીના બેગમાંથી કોઈ અજાણ્યો શખસ બે લેપટોપ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.
મણિનગરમાં રહેતો અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં BCAનો અભ્યાસ કરતા એલેન્સી ક્રિશ્ચિયને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે સવારે 9 વાગ્યે કોલેજની લાયબ્રેરીમાં ગયો હતો. તે સમયે મિત્રનો ફોન આવતાં તે પોતાનું બેગ લાયબ્રેરી રૂમની બહાર મૂકીને વાત કરવા ગયો હતો. અડધા કલાક બાદ જ્યારે તેણે બેગ ઊંચક્યું ત્યારે વજન ઓછું લાગતાં શંકા ગઈ હતી. બેગ ખોલીને જોતાં અંદર રાખેલું પોતાનું અને મિત્રનું એમ કુલ બે લેપટોપ ગાયબ હતા.
આસપાસના રૂમ અને લાયબ્રેરીમાં શોધખોળ કરવા છતાં લેપટોપ ન મળતાં કોઈ અજાણ્યો શખસ તે ચોરી ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ અંગે એલેન્સીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસતાં એક અજાણ્યો વ્યક્તિ બે લેપટોપ ચોરીને લઈ જતો નજરે પડ્યો હતો. હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ