

- કામરેજમાં ટાઇટલ ક્લિયર વગર પ્રોજેક્ટ શરૂ કરી લોકો પાસેથી પ્લોટના નામે 1.56 કરોડ પડાવ્યાં
સુરત/અમદાવાદ,28 જુલાઇ (હિ.સ.) અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ કામરેજ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2026માં નોંધાયેલા ગુના મુજબ છેતરપિંડીના કેસમાં સુરતમાં ધરપકડ કરવામાં આવી.
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરીને તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા ખોટા પ્રોજેક્ટના નામે લોકોને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ઉમંગ ઠક્કરે કામરેજના ખોલવડ ગામમાં 'નિર્વાણા' નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
જોકે, જે જમીન પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આરોપીએ ખુલ્લા પ્લોટના વેચાણ અને બુકિંગ શરૂ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.
પોલીસ તપાસ અનુસાર આરોપીએ 15થી વધુ ફરિયાદીઓને પ્લોટ આપવાના વાયદા કરીને તેમની પાસેથી કુલ ₹1 કરોડ 56 લાખ વસૂલ્યા હતા. પરંતુ ન તો પ્લોટની ફાળવણી કરવામાં આવી અને ન તો ફરિયાદીઓના નાણાં પરત આપવામાં આવ્યા. લાંબા સમય સુધી રાહ જોયા બાદ ભોગ બનનારાઓએ પોલીસનો આશરો લીધો હતો.
ભોગ બનનાર મહિલા સહિત અન્ય નાગરિકોની લેખિત ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપી લાંબા સમયથી પોતાના પ્રભાવ અને રાજકીય પહોંચનો ઉપયોગ કરીને પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો. જોકે, આખરે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને જેલના હવાલે કર્યો છે.
કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.ગોજિયાના જણાવ્યા મુજબ, એપ્રિલ 2026માં બી.એન.એસ.ની કલમ 316 અને 318 હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન ઉમંગ હરીભાઈ ઠક્કરે ખોલવડ ગામમાં ટાઇટલ ક્લિયર ન હોય તેવી જમીન પર 'નિર્વાણા' પ્રોજેક્ટના નામે પ્લોટ વેચાણ શરૂ કરીને 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ ₹1.56 કરોડ વસૂલ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ આગળ વધતા અન્ય મહત્વના ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ