ડીઝલ બચતમાં જૂનાગઢ એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ
જુનાગઢ,28 જુલાઈ (હિ.સ.) ગુજરાત રાજ્યમાં ડીઝલ બચતમાં જૂનાગઢ એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે : એક જ માસમાં 27840 લિટર ડીઝલ અને રૂ. 27 લાખની નાણાકીય બચત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના જૂનાગઢ વિભાગે ઇંધણ બચત ક્ષેત્રે ભવ્ય
ડીઝલ બચતમાં જૂનાગઢ એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ


જુનાગઢ,28 જુલાઈ (હિ.સ.) ગુજરાત રાજ્યમાં ડીઝલ બચતમાં જૂનાગઢ એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે : એક જ માસમાં 27840 લિટર ડીઝલ અને રૂ. 27 લાખની નાણાકીય બચત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના જૂનાગઢ વિભાગે ઇંધણ બચત ક્ષેત્રે ભવ્ય સફળતા હાસિલ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંચાલન ક્ષમતા અને ઇંધણ બચતના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરતા જૂનાગઢ વિભાગે જૂન-2025 ના 5.26 KMPL (કિલોમીટર પ્રતિ લિટર) ની સરખામણીએ જૂન-2026 માં 5.38 KMPL મેળવેલ છે. આમ, પ્રતિ કિલોમીટર 0.12 નો સરાહનીય સુધારો નોંધાવીને જૂનાગઢ વિભાગે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

આ સફળ આયોજનના પરિણામે જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા માત્ર એક જ મહિનાના ગાળામાં 27840 લિટર ડીઝલની વિપુલ બચત કરવામાં આવી છે. ડીઝલ વપરાશમાં કરકસર દાખવી ખર્ચમાં ઘટાડો કરવાથી એસ.ટી. નિગમને એક જ માસમાં અંદાજે રૂ. 27 લાખનો સીધો આર્થિક ફાયદો થવા પામ્યો છે. ઇંધણની આ બચતથી માત્ર નાણાકીય ફાયદો જ નથી થયો પરંતુ રાષ્ટ્રના વિકાસમાં તેમજ પર્યાવરણ જતનમાં પણ જૂનાગઢ વિભાગે અગ્રેસર ભૂમિકા ભજવી છે.

આ ઐતિહાસિક સિદ્ધિ અંગે જૂનાગઢ વિભાગીય નિયામકએ જણાવ્યુ હતું કે, આ સફળતા મેં નહીં હમ ના ઉમદા સૂત્ર અને મજબૂત ટીમ વર્કની ભાવનાના કારણે જ શક્ય બની છે. નિગમના અધિકારીઓ, સુપરવાઇઝરો, ડ્રાઇવરો અને મિકેનિકલ સ્ટાફના અથાક પરિશ્રમ અને નિષ્ઠાપૂર્વકની કામગીરી અભિનંદનને પાત્ર છે. તમામ કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી જ સંચાલકીય ક્ષમતામાં આ નોંધપાત્ર સુધારો શક્ય બન્યો છે.

વિભાગીય નિયામક વી.બી. ડાંગર દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર પરિવહન (Public Transport) નો મહત્તમ ઉપયોગ કરે. સાથે જ, કેશલેસ અને સુગમ મુસાફરી માટે ટિકિટ બુકિંગ તથા મુસાફરી દરમિયાન ડિજિટલ પેમેન્ટને પ્રાથમિકતા આપે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande