
વડોદરા , 08 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના છાણી વિસ્તારમાં એક 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે POCSO Act સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ભોગ બનનાર બાળકીના માતા-પિતા ખુલ્લા ખેતરમાં ઝૂંપડું બનાવી રહે છે. આરોપી તરીકે ઓળખાયેલા જગદીશ પુંજાભાઈ ગોહિલ (ઉંમર 55 વર્ષ) નજીકના એક વેરહાઉસમાં સફાઈનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
આક્ષેપ છે કે આરોપી બાળકીને ચોકલેટ અને અન્ય વસ્તુઓની લાલચ આપીને પોતાની પાસે બોલાવતો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના નારાયણ નગર ગરનાળા સામેના વિસ્તારમાં બની હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
ઘટનાની જાણ થતાં છાણી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. સાથે જ બાળકીને જરૂરી તબીબી સારવાર અને કાનૂની પ્રક્રિયા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાળ પીડિતાની ઓળખ સુરક્ષિત રાખવા માટે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ