

પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરના કર્લી જળાશયમાંથી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ આ કામગીરી ટ્રાયલ ધોરણે હાથ ધરવામાં આવી હોવાનું મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે. કર્લી જળાશયના અંદાજે સાડા ચાર લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગાંડી વેલ ફેલાઈ જતાં તેની સફાઈ અત્યંત જરૂરી બની છે. શરૂઆતમાં જળાશયમાં માત્ર ચારથી પાંચ સ્થળોએ વેલ જોવા મળતી હતી ત્યારે સ્થાનિક મીડિયાએ સતત અહેવાલો પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમ છતાં ક્ષાર અંકુશ વિભાગ દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી ન કરાતા આજે સમગ્ર જળાશયમાં વેલ પથરાઈ ગઈ છે.ગાંડી વેલના કારણે જળાશયમાં રહેલા જળચર જીવસૃષ્ટિને ભારે મુશ્કેલી પડી રહી છે. સાથે જ મીઠા પાણીના સંગ્રહ અને જળાશયના પર્યાવરણ પર પણ તેની નકારાત્મક અસર થઈ રહી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. હાલમાં ચોમાસાની સિઝન દરમિયાન બહારથી આવેલા મજૂરોની મદદથી વેલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી મૂળ ક્ષાર અંકુશ વિભાગે કરવાની હોવા છતાં વિભાગ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઉચ્ચ કક્ષાએ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓની ઉદાસીનતાના કારણે હવે મોડેથી મહાનગરપાલિકાને કામગીરી હાથ ધરવાની ફરજ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંડી વેલ દૂર કરવા માટે મહાનગરપાલિકાએ રૂ. 60 લાખનું ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ કોઈ એજન્સીએ રસ ન દાખવતાં અંતે મજૂરો મારફતે કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં કર્લી જળાશયમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે મજૂરો દ્વારા વેલ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાથમિક નજરે કામગીરી ઝડપથી આગળ વધી રહી હોવાનું જણાય છે. જોકે મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી 10થી 15 દિવસ દરમિયાન કામગીરીની ગતિ અને પરિણામનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. જો માનવશક્તિથી કામગીરી સંતોષકારક નહીં રહે તો મહાનગરપાલિકા મશીનરીની મદદથી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી હાથ ધરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya