
બોટાદ, 01 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સક્રિય બન્યા છે. સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે તેમણે રાજ્યના મુખ્યમંત્રીના OSD તેમજ ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આ દરમિયાન બોટાદ જિલ્લામાં તાત્કાલિક એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરવાની માંગ કરવામાં આવી, જેથી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી હાથ ધરી શકાય.
ધારાસભ્યએ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, બચાવ કામગીરી અને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા તેમજ તમામ વિભાગોને સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.
નાગરિકોને સમયસર સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે બોટાદ સર્કિટ હાઉસ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદ સંબંધિત કોઈપણ મુશ્કેલી, આપત્તિ કે તાત્કાલિક સહાય માટે લોકો જાહેર કરાયેલા સંપર્ક નંબરો પર સંપર્ક કરી શકશે.
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી તેઓ પોતે સર્કિટ હાઉસ ખાતે આવેલા કંટ્રોલ રૂમમાં પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહેશે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે. તેઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે સતત સંકલન જાળવી જરૂરી રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરશે.
તેમણે જિલ્લાના તમામ નાગરિકોને અતિઆવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, તળાવ, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ અફવાઓથી દૂર રહી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA