રંગોળા સિંચાઈ ડેમનો એક દરવાજો 1.50 મીટર સુધી ખોલાયો, નવ ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા
ભાવનગર, 01 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામ નજીક આવેલા રંગોળા સિંચાઈ ડેમમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં સતત વધારો નોંધાતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડેમનો એક દરવાજો 1.50 મીટર સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છ
ડેમ


ભાવનગર, 01 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામ નજીક આવેલા રંગોળા સિંચાઈ ડેમમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં સતત વધારો નોંધાતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડેમનો એક દરવાજો 1.50 મીટર સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડવાની કામગીરી શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા નવ ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

તાજેતરમાં જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમનું જળસ્તર નિયંત્રિત રાખવા માટે એક દરવાજો ખોલી નિયંત્રિત માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ આગળના નિર્ણયો લેવામાં આવશે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સંબંધિત ગામોના સરપંચો, ગ્રામ પંચાયતો અને સ્થાનિક અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ કોઈપણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, નદીના પટમાં જવાનું ટાળવા, ડેમની આસપાસ ભીડ ન કરવા તેમજ માત્ર અધિકૃત સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. સાથે જ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી તમામ સંબંધિત વિભાગોને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande