ઈડરમાં ધોધમાર વરસાદ,ડેભોલ વિસ્તારમાં પાર્ક કરેલી કાર તણાઈ
- હિંમતનગર હાથમતી વિયર ફરી છલકાયો હિંમતનગર/અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હિંમતનગરનો હાથમતી વિયર ફરી ઓવરફ્લો થયો છે. જિલ્લાના આઠમાંથી છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. વિયરમાંથી 400 ક્યુસેક પાણી
Heavy rain in Idar, cars parked in Debhol area washed away


- હિંમતનગર હાથમતી વિયર ફરી છલકાયો

હિંમતનગર/અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હિંમતનગરનો હાથમતી વિયર ફરી ઓવરફ્લો થયો છે. જિલ્લાના આઠમાંથી છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. વિયરમાંથી 400 ક્યુસેક પાણી નદીમાં અને 80 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.

ઈડર શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ડેભોલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર પાણીમાં તણાતી જોવા મળી હતી. સદનસીબે કારમાં કોઈ સવાર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

ઈડર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની અછત હતી, જેના કારણે ખેડૂતો ચિંતિત હતા. બે દિવસની અસહ્ય ગરમી બાદ આજે બપોરે 12 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. ડેભોલ વિસ્તારમાં ગણપતિ મંદિર આવેલું છે અને ચોમાસામાં અહીં ડુંગરનું પાણી મોટા પ્રમાણમાં આવે છે.

ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પાર્ક કરેલી કાર તેમાં તણાઈ ગઈ હતી. હાલ કારને બહાર કાઢવાના પ્રયાસો શક્ય નથી, કારણ કે પાણીનું સ્તર નીચું ન જાય ત્યાં સુધી તેને બહાર કાઢી શકાશે નહીં.

હિંમતનગર અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બે દિવસ બાદ હાથમતી વિયર ફરી છલકાયો છે. હિંમતનગર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. હાથમતી નદીમાં પાણીની જાવકને કારણે મહેતાપુરા કોઝવે નીચેથી પાણી વહી રહ્યું છે, જેના પગલે કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ, તલોદ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પોણા સાત ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને તલોદની ખારી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande