માય ભારત દ્વારા ‘નશામુક્ત યુવા, ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’: ગાંધીનગર ખાતે યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
- પ્રધાનમંત્રી 2 ઓગસ્ટે યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી કરશે સંબોધિત ગાંધીનગર, 01 ઓગસ્ટ (હિ.સ.) : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત -MY Bharat દ્વારા દેશવ્યાપી સ્તરે ''નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન''
ગાંધીનગર ખાતે યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ


- પ્રધાનમંત્રી 2 ઓગસ્ટે યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી કરશે સંબોધિત

ગાંધીનગર, 01 ઓગસ્ટ (હિ.સ.) : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત -MY Bharat દ્વારા દેશવ્યાપી સ્તરે 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન' નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત તા. 02 ઑગસ્ટ, 2026 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે, જેની વિસ્તૃત વિગતો માય ભારત ગુજરાતના રાજ્ય નિર્દેશક સચિન શર્મા દ્વારા એક પ્રેસ સંબોધન થકી આપવામાં આવી હતી.

સચિન શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ નશામુક્ત યુવા કાર્યક્રમનું મુખ્ય આયોજન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સવારે 10:30 વાગ્યે કરવામાં આવ્યું છે. આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી યુવા સહભાગીઓ સાથે સીધો સંવાદ કરશે. આ પ્રસંગે વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, માય ભારત સ્વયંસેવકો, યુવા મંડળોના સભ્યો તથા અન્ય યુવા સંગઠનોના આશરે 500 થી વધુ યુવાનો પ્રત્યક્ષ રીતે ભાગ લેશે.

કાર્યક્રમની રૂપરેખા આપતા ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર વર્ષા રોઘાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં નશામુક્તિ પ્રત્યે વ્યાપક જાગૃતિ કેળવાય તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નશાની લત સામે જાગૃતિ લાવવાના મૂળ હેતુ સાથે યુવાનો માટે ડાન્સ, મ્યુઝિક, ડ્રોઈંગ સહિત અલગ-અલગ આઠ રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરાશે, જેથી વધુમાં વધુ યુવાનો કળા અને સર્જનાત્મકતાના માધ્યમથી આ અભિયાન સાથે જોડાઈ શકે.

આ દેશવ્યાપી કાર્યક્રમ સાથે ભારતના આશરે 10,000 સ્થળોને જોડવામાં આવશે, જેમાં પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ સહભાગિતા દ્વારા 1 કરોડથી વધુ યુવાનો સામેલ થશે. કાર્યક્રમ દરમિયાન દેશભરના યુવાનો સામુહિક રીતે નશામુક્તિના શપથ લેશે. આ ઉપરાંત, સતત જાગૃતિ જળવાઈ રહે તે માટે 100 અઠવાડિયાના દેશવ્યાપી 'રવિવાર જનસહભાગિતા અભિયાન' નો પણ પ્રારંભ કરવામાં આવશે, જેના અંતર્ગત નિયમિત રીતે રમતગમત, ફિટનેસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ધ્યાન જેવા કાર્યક્રમો યોજાશે.

નોંધનીય છે કે, MY Bharat પોર્ટલ પર 'ઈ-પ્રતિજ્ઞા' અભિયાન પણ કાર્યરત છે. ગુજરાતમાં આ આયોજન MY Bharat , જિલ્લા વહીવટીતંત્ર અને NFSU ના સંયુક્ત સહયોગથી થઈ રહ્યું છે. તંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો અને નાગરિકોને 'વિકસિત ભારત@2047' ના સ્વપ્નને સાકાર કરવા આ અભિયાનમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande