
ભાવનગર, 01 ઓગસ્ટ (હિ.સ.) : યાત્રિયોની સુવિધા તેમજ વેરાવળ–રાજકોટ રેલખંડ પર સતત વધી રહેલી યાત્રિયોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના પ્રયત્નોથી પશ્ચિમ રેલવેએ વેરાવળ–રાજકોટ–વેરાવળ લોકલ ટ્રેનોમાં અસ્થાયી ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેએ અગાઉ આ ટ્રેનોમાં તા. 03 જૂન, 2026થી 02 ઓગસ્ટ, 2026 સુધી અસ્થાયી ધોરણે 2 વધારાના જનરલ કોચ જોડ્યા હતા, જેના પરિણામે ટ્રેનોમાં જનરલ કોચોની સંખ્યા 9થી વધીને 11 થઈ હતી. યાત્રિયોની સતત વધી રહેલી માંગ અને ભીડને ધ્યાનમાં રાખીને હવે ફરી એકવાર આ ટ્રેનોમાં વધુ 2 જનરલ કોચ જોડવામાં આવશે. ત્યારબાદ દરેક ટ્રેનમાં કુલ 13 કોચ રહેશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ વધારાના કોચોની વિગતો નીચે મુજબ છે—
• ટ્રેન નંબર 59421 રાજકોટ–વેરાવળ લોકલમાં તા. 02 ઓગસ્ટ, 2026થી 31 ઑક્ટોબર, 2026 સુધી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.
• ટ્રેન નંબર 59422 વેરાવળ–રાજકોટ લોકલમાં તા. 03 ઓગસ્ટ, 2026થી 01 નવેમ્બર, 2026 સુધી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.
આ વધારાના કોચ જોડાયા બાદ બંને ટ્રેનોની રચના કુલ 13 કોચોની રહેશે, જેમાં 11 જનરલ કોચ તથા 2 એસએલઆરડી (SLRD) લગેજ વાનનો સમાવેશ થશે. આથી મુસાફરોને વધુ બેઠકો ઉપલબ્ધ થશે, મુસાફરી વધુ આરામદાયક બનશે તેમજ વધતી મુસાફર સંખ્યાને અનુરૂપ મુસાફરીની વ્યવસ્થા વધુ સુગમ અને અનુકૂળ બનશે.
મુસાફરોને વિનંતી છે કે મુસાફરી શરૂ કરતા પહેલાં ટ્રેન સંચાલન, સમયપત્રક તથા અન્ય નવીનતમ માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES મારફતે માહિતી અવશ્ય મેળવી લેવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ