


શ્રાવણ માસમાં પવિત્ર નદીઓના જળથી શિવજીને જળાભિષેકનું અનેરું મહત્વ
કાવડ યાત્રીઓએ નર્મદા નદીમાં હર હર નર્મદેના નાંદ સાથે લગાવી ડુબકી
દક્ષિણ ગુજરાતના હજારો કાવડયાત્રીઓએ ભરૂચના દશાશ્વમેઘ ઘાટ, નીલકંઠેશ્વર ઘાટ ઉમટી પડ્યા
ભરૂચ 16 ઓગસ્ટ (હિ.સ.)
નર્મદા નદીમાં જેટલા કંકર એટલા શંકર અને તેમાય શ્રાવણ માસ એટલે શિવજીની આરાધનાનો માસ હોવાના કારણે સમગ્ર ગુજરાતમાં પવિત્ર નદીઓના જળથી શિવજીને જળાભિષેક કરી શિવજીની પુજા–અર્ચના કરવામાં આવતી હોય જેના કારણે દક્ષિણ ગુજરાતના હજારો કાવડ યાત્રીઓએ ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં હર હર નર્મદે હરના નાંદ સાથે ડુબકી લગાવી પવિત્ર જળ કાવડમાં લઈ કાવડયાત્રીઓ પરત ફરી સોમવારે શિવજીને જળાભિષેક કરી શિવજીને રીઝવવાના પ્રયાસો કરશે.
ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસ મહાદેવની ઉપાસના કરવાનો માસ હોવાના કારણે શિવભકતોમાં અનેરી ભકિત જોવા મળતી હોય છે. દક્ષિણ ગુજરાતના હજારો કાવડયાત્રીઓએ સુરતના ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની પરંપરાગત કાવડયાત્રા ભરૂચના પવિત્ર ઐતિહાસિક ભૂમી દશાશ્વમેઘ ઘાટ ખાતે આવી સમગ્ર માર્ગ ઉપર હર હર મહાદેવના જયઘોષના નાંદથી શિવમિત્ર મંડળ સંઘ, ઉધના ધ્વારા 3 દિવસની કાવડયાત્રામાં ભકતો પગપાળા ભરૂચ નર્મદા નદી ખાતે આવી પહોંચતાં દશાશ્વમેઘ ઘાટના નર્મદા નદીના ઘાટ પર પવિત્ર નર્મદા નદીમાં હર હર નર્મર્દે અને હર હર મહાદેવના નાંદ સાથે નર્મદા નદીમાં ડુબકી લગાવી કાવડયાત્રીઓએ કાવડમાં નર્મદા નદીનું પવિત્ર જળ લઈ નર્મદા નદીના ઘાટ ઉપર શિવજીની વિશેષ આરતી, પુજા–અર્ચના કરી કાવડયાત્રીઓ નર્મદા નદીનું પવિત્ર જળ લઈ પરત સુરત રવાના થઈ સોમવારે શિવજીને નર્મદા નદીના જળથી જળાભિષેક કરી શિવજીને રીઝવવાના પ્રયાસો કરશે.
ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ નર્મદા નદીના ઘાટ ઉપર કાવડયાત્રીઓ મોટી સંખ્યામાં નર્મદા નદીનાં પવિત્ર જળમાં ડુબકી લગાવી કાવડમાં નર્મદા નદીનું પવિત્ર જળ લઈ રહયા હોય અને આ કાવડયાત્રા પણ સુરતના શિવશકિત મંડળ ધ્વારા આયોજીત કરાઈ હોય અને દક્ષિણ ગુજરાતના કાવડયાત્રીઓએ નિલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર શિવજીના દર્શન કરી નર્મદા નદીમાં નર્મદે હર... ના નાંદ સાથે ડુબકી લગાવી નર્મદા નદીનું જળ કાવડમાં લઈ કાવડયાત્રીઓ પગપાળા પરત સુરત રવાના થઈ શ્રાવણ માસમાં શિવજીને જળાભિષેક કરી શિવજીની કૃપા દ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરનાર હોવાનું કાવડયાત્રીઓએ કહયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ