
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)પાટણ ગોળ લોહાણા સમાજ ટ્રસ્ટની સાધારણ સભા તથા કુંવરબા હોલના પુનઃનિર્માણ કાર્યક્રમનું આયોજન ૧૬ ઓગસ્ટે મીરા દરવાજા સ્થિત કુંવરબા હોલ ખાતે થયું હતું. કાર્યક્રમમાં રાજુભાઈ પી. ઠક્કર અધ્યક્ષસ્થાને રહ્યા હતા, જ્યારે શૈલેષભાઈ બી. ઠક્કર (નેદ્રોડા) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શુભ પ્રસંગે ગાયત્રી યજ્ઞ યોજી ઇષ્ટદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ જે.ડી. ઠક્કરે સૌનું સ્વાગત કર્યું હતું. મંત્રી આર.જી. ઠક્કરે સંસ્થાના હિસાબો રજૂ કર્યા હતા, જેને સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભામાં સમાજ અને સંસ્થાના ભાવિ વિકાસ અંગે વિવિધ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા થઈ હતી.
કુંવરબા હોલના પુનઃનિર્માણ માટે આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું મહાનુભાવોના હસ્તે શીલ્ડ અને ખેસથી સન્માન કરાયું હતું. સાથે જ દાતાશ્રીઓની સ્મૃતિ તકતીઓનું તેમના પરિવારજનો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. પી.આઈ. ઠક્કરે સુંદર સંચાલન કર્યું હતું. અંતે મંત્રી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો અને ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ