
અભિનેતા હૃતિક રોશન અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચે વર્ષો જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર 'સોરી હૃતિક' ટ્રેન્ડ વાયરલ થયા બાદ બંને વચ્ચે નિવેદનબાજીનો નવો દોર શરૂ થયો છે. હૃતિકની પ્રતિક્રિયાના થોડા કલાકો પછી, કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેમના પર નિશાન સાધતા કહ્યું કે તેમણે જૂના વિવાદને હવા આપવાને બદલે પોતાની સાથી સબા આઝાદનું સન્માન કરવું જોઈએ.
આખો વિવાદ ત્યારે ફરી ચર્ચામાં આવ્યો જ્યારે નીટ પેપર લીકના વિરોધમાં, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કંગનાની ટિપ્પણી બાદ સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ હૃતિક જેવા દેખાય છે, તેથી કંગના તેમના પર નારાજ છે. આ પછી સોશિયલ મીડિયા પર 'સોરી હૃતિક' ટ્રેન્ડ શરૂ થયો. આ ટ્રેન્ડ પર પ્રતિક્રિયા આપતા હૃતિકે કહ્યું કે, તેઓ સંપૂર્ણ માહિતી અને સત્ય જાણ્યા વિના કોઈ ટિપ્પણી નહીં કરે.
હૃતિકના આ નિવેદન પર કંગનાએ આકરી પ્રતિક્રિયા આપી. તેમણે આરોપ લગાવ્યો કે, તેમના નામનો ઉપયોગ કરીને કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ હૃતિક આવા લોકોની ટીકા કરવાને બદલે મૌન સેવી રહ્યા છે. કંગનાએ લખ્યું કે, હૃતિક હવે એક સ્થિર સંબંધમાં હોવાથી, તેમણે કોઈ મહિલાને પરેશાન કરવા જેવી સ્થિતિ ઊભી ન કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, કારણ વગર આગમાં ઘી હોમવું અને પોતાના પાર્ટનરને અસ્વસ્થ કરવા યોગ્ય નથી.
નોંધનીય છે કે, હૃતિક અને કંગના વચ્ચેનો વિવાદ વર્ષ 2016માં શરૂ થયો હતો, જ્યારે કંગનાએ એક ઇન્ટરવ્યુમાં અભિનેતાને પોતાનો પૂર્વ પ્રેમી ગણાવ્યો હતો. હૃતિકે આ દાવાને નકારી કાઢ્યો, જેના પછી બંને વચ્ચે કાનૂની નોટિસ, ઇમેઇલ વિવાદ અને જાહેર નિવેદનબાજીનો લાંબો સિલસિલો ચાલ્યો. હવે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી નવી ચર્ચાએ આ જૂના વિવાદને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ